રાજકોટઃ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે સંગઠન નવરચનામાં ગુજરાતના વડોદરાના સાંસદ તથા અગાઉ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી બજાવી ગયેલા ડો. હેમાંગ જોષીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા બાદ આજે તેઓએ નવી યુવા મોરચા ટીમ જાહેર કરી છે. જેમાં ઉતરપ્રદેશ સહિતના રાજયોને મહત્વ અપાયું છે તો ગુજરાતમાંથી બે ચહેરાને પણ રાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તક મળી છે. આ ટીમમાં ગુજરાતના ધ્રુવ પંડીતને યુવા મોરચા કેન્દ્રીય કાર્યાલયના પ્રભારી બનાવાયા છે. તેઓ સાયબર સુરક્ષા નિષ્ણાંત છે તથા દિલ્હીમાંજ સાયબર સિકયોરિટી કંપની ચલાવે છે તથા 2023માં ટાઈમ્સના ભારતીય યુવા મેન્ટરપ્રીનીયોરમાં સ્થાન મેળવી ચુકયા છે.

તે ઉપરાંત વડોદરાના રંગમ ત્રિવેદીને યુવા મોરચામાં નીતિ-સંશોધન વિભાગના સહપ્રભારીની જવાબદારી સોંપાઈ છે. તેઓ ટ્રાન્સપોર્ટ એન્જીનીયર છે. આગામી વર્ષે આવી રહેલી ચુંટણીને ધ્યાનમાં લેતા ઉતરપ્રદેશમાંથી ત્રણ અધિકારીઓ નિયુક્ત થયા છે. જેમાં નીખીલ મણી તિવારીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, હર્ષવર્ધન સિંહને રાષ્ટ્રીય મહામંત્રી તથા વિજય વત્સ ત્યાગીને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા છે. કુલ સાત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિયુક્ત થયા છે.

જેમાં બે મહિલા છે. જમ્મુ કાશ્મીરના શુગુન પરિહાર તથા તેલંગાણાના શ્રીમતી આલોજા નાઈક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે. ત્રણ રાષ્ટ્રીય મહામંત્રીમાં ઓડીસાના સુશ્રી અર્પીતા બડજેના, હર્ષવર્ધન (યુપી) તથા આંધ્રના મિત્સ કૃષ્ણાનો સમાવેશ થાય છે. આમ રાષ્ટ્રીય મંત્રીઓ ઉપરાંત મીડીયા પ્રભારી તરીકે હિમાંશુ યાદવ, સોશ્યલ મીડીયાની જવાબદારી અપુર્વસિંહને સોપવામાં આવી છે.

























