
ગાંધીનગર: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની વિકાસયાત્રાના પ્રતીક સમાન અને નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે પ્રવાસીઓ માટે વધુ એક ભવ્ય આકર્ષણ ઉમેરાયું છે. એકતાનગરની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને રિવર ટુરિઝમનો એક વિશેષ અને અદ્ભુત અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશથી સરદાર સરોવર ડેમના નીચેના ભાગમાં નર્મદા નદી પર વધુ સુવિધાયુક્ત નવી ‘એકતા ક્રૂઝ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂપિયા 16 કરોડના ખર્ચે નિર્મિત આ ક્રૂઝ આધુનિક સેફ્ટી સિસ્ટમ, સંગીતની સુવિધાઓ, આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ કેટરિંગ અને ડાઇનિંગની ઉત્તમ સુવિધાઓથી સજ્જ છે.

આ ભવ્ય ક્રૂઝમાં વિવિધ કાર્યક્રમો, ઉજવણીઓ, સામાજિક સમારોહો તથા મનોરંજક પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરી શકાશે. એકતાનગર ખાતે નર્મદા નદી પર રિવર ટુરિઝમ તેમજ મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને મોટો વેગ મળશે. સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ પ્રવાસન પ્રવૃત્તિઓ માટે નર્મદા રિવરફ્રન્ટનો વધુ સારો ઉપયોગ શક્ય બનશે. નદી આધારિત આવા અનોખા પ્રવાસન આકર્ષણથી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનો એકંદર અનુભવ વધુ યાદગાર બનશે. ક્રૂઝ પર વિવિધ કાર્યક્રમોના આયોજન અને ઓન-બોર્ડ કેટરિંગ સુવિધા દ્વારા સ્થાનિક સ્તરે આવક અને રોજગારીની નવી તકો સર્જાશે.

પ્રવાસન સુવિધાઓમાં વૈવિધ્ય આવવાથી પ્રવાસીઓ એકતાનગર ખાતે વધુ સમય રોકાવા માટે પ્રોત્સાહિત થશે. એક અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન તથા સાંસ્કૃતિક સ્થળ તરીકે એકતાનગરની ઓળખ વધુ સુદ્રઢ બનશે.

♦ નવી એકતા ક્રૂઝની મુખ્ય વિશેષતાઓ મુસાફરોની ક્ષમતા: એકસાથે 600 મુસાફરો પ્રવાસ કરી શકે તેવી વિશાળ ક્ષમતા. વિશાળ વિસ્તાર: અંદાજિત 380 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આધુનિક ડિઝાઇન. શક્તિશાળી એન્જિન: સુગમ અને સુરક્ષિત સંચાલન માટે 400 હોર્સપાવર (HP)નું ક્ષમતાવાન એન્જિન. વીજ પુરવઠો: ક્રૂઝમાં વીજળીની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે ચાર ડીઝલ જનરેટર સેટ. મનોરંજન સુવિધા: જાહેરાતો, મનોરંજન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લાઇવ મ્યુઝિક સિસ્ટમ.

સુરક્ષા વ્યવસ્થા: આગથી રક્ષણ અને મુસાફરોની સંપૂર્ણ સલામતી માટે આધુનિક સેફ્ટી સિસ્ટમ. સુવિધાસભર બેઠક: પ્રવાસીઓ માટે અત્યંત આરામદાયક બેઠક વ્યવસ્થા. કેટરિંગ સુવિધા: તાજું ભોજન અને અલ્પહાર પીરસવા માટે ક્રૂઝ પર જ ઓન-બોર્ડ કેટરિંગ અને ડાઇનિંગની વ્યવસ્થા.






















