ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું, ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી સવારે ૭થી રાત્રે ૧૦ વાગ્યા સુધી અમલી

મોરબી, તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૬: મોરબી શહેરમાં વધતી વસ્તી, ઔદ્યોગિક વિકાસ, વાહનોની અવરજવર અને જૂના તથા સાંકડા રસ્તાઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લીલાપર–ઉમિયા સર્કલ રોડ પરના બે માર્ગોને વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું જાહેર હિતમાં ટ્રાફિક નિયમન માટે અમલમાં મૂકવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળો માર્ગ વન-વે રહેશે. લીલાપર તરફથી આવતા વાહનચાલકો માટે શ્યામ ગ્લાસ વેર. એસ.પી. રોડના નાકેથી રવાપર ચોકડી થઈ નિર્મલ સ્કૂલ તરફથી ઉમિયા સર્કલ જવાનો માર્ગ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

તેવી જ રીતે, ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફ જવા માટે નિર્મલ સ્કૂલ વાળો માર્ગ વન-વે જાહેર કરવામાં આવ્યો છે. ઉમિયા સર્કલથી લીલાપર તરફ જતા વાહનચાલકો માટે અવની ચોકડી, રવાપર ચોકડી (સ્વાગત હોલ) અને વર્ધમાન ચોકડી થઈ લીલાપર તરફ જવાનો વૈકલ્પિક માર્ગ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી તા. ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી દરરોજ સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો શિક્ષાને પાત્ર બનશે. ટ્રાફિક વ્યવસ્થાને જાળવવા વાહનચાલકોએ જાહેરનામામાં દર્શાવેલા માર્ગોનું પાલન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.























