HomeAllમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીએ કર્મવીરોનું સન્માન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીએ કર્મવીરોનું સન્માન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ

તહેવારની ખુશીઓ સેવાકર્મીઓ સાથે વહેંચી અનોખી ઉજવણી : પોલીસ, ટ્રાફિક પોલીસ, એસ.ટી., ફાયરબ્રિગેડ, સફાઈ કર્મીઓ સહિતના ફરજ પરના કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવાઈ

મોરબી, તા.૦૭ નવેમ્બર : દિવાળીના પર્વે જ્યારે સમગ્ર શહેર ઉત્સવના રંગમાં રંગાઈને પરિવાર સાથે ખુશીઓ માણી રહ્યું હોય છે, ત્યારે નાગરિકોની સુરક્ષા, સુવિધા અને સુખાકારી માટે ફરજ પર તૈનાત રહેતા કર્મવીરોના યોગદાનને બિરદાવવાના ઉમદા હેતુથી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશેષ ‘કર્મવીર કૃતજ્ઞતા અભિયાન’ યોજવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વિવિધ જાહેર સેવાઓમાં કાર્યરત કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લઈ તેમને મીઠાઈ અર્પણ કરી દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડો. દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં પોલીસ વિભાગ, ટ્રાફિક પોલીસ, એસ.ટી. વિભાગ, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, ફાયરબ્રિગેડ, રેલવે અને પેટ્રોલપંપ પર ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રુપના સભ્યોએ વિવિધ સ્થળોએ પહોંચીને કર્મચારીઓ સાથે આત્મીયતાભરી મુલાકાત કરી તેમની નિષ્ઠા, સેવાભાવ અને સમર્પણને સન્માનિત કર્યા હતા.

દિવાળીના તહેવાર દરમિયાન પણ પોતાની ફરજને પ્રાથમિકતા આપતા આ કર્મવીરોના ચહેરા પર મીઠાઈ અને શુભેચ્છાઓથી ખુશીની લાગણી જોવા મળી હતી. જાહેર સેવાઓમાં કાર્યરત કર્મચારીઓના યોગદાનને સમાજ તરફથી મળેલું આ સન્માન તેમના માટે પ્રોત્સાહનરૂપ બન્યું હતું.

આ પ્રસંગે ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે દિવાળી માત્ર દીવા પ્રગટાવવાનો કે ઘરની સજાવટ કરવાનો ઉત્સવ નથી, પરંતુ માનવતા, સંવેદના અને સામાજિક જવાબદારીને ઉજાગર કરવાનું પર્વ પણ છે. જ્યારે લોકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં, એસ.ટી. કર્મચારીઓ મુસાફરોની સુવિધામાં, સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતામાં અને ફાયરબ્રિગેડના જવાનો સંભવિત દુર્ઘટનાઓ સામે સતર્ક રહી પોતાની ફરજ બજાવતા હોય છે.

આવા કર્મવીરોની મહેનતને ઓળખવી, તેમના આનંદમાં સહભાગી થવું અને તેમને સન્માન આપવું એ સમાજની નૈતિક જવાબદારી છે. તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને દિવાળીની ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ અભિયાનને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના રાજન પુરબિયા, દિલીપ દલસાણિયા, જયેશ બાર, હરેશ ઝાપડા, આશિષ દાફડા, જયેશ ઝાપડા, આનંદ સિંધવ અને વિજય રબારી સહિતના સભ્યોએ વિવિધ સ્થળોએ જઈ કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરી તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સેવાકર્મીઓના પરિશ્રમને સન્માન આપીને અને તેમની સાથે દિવાળીની ખુશીઓ વહેંચીને સામાજિક સંવેદના તથા માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પહેલથી દિવાળીની ઉજવણી માત્ર વ્યક્તિગત આનંદ પૂરતી સીમિત ન રહેતા સમાજના દરેક વર્ગને સાથે જોડતી અર્થસભર ઉજવણી બની હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments