મોરબી આદિવાસી સમાજના મહાનાયક, ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની અને જનજાતીય સમાજના હક, અધિકાર તથા સ્વાભિમાન માટે જીવનભર સંઘર્ષ કરનાર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના શક્તિ પ્લોટ ખાતે આવેલ કમ્યુનિટી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ, નગરજનો તથા આમંત્રિતોએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, દંડક જયેશભાઈ દેસાઈ, મોરબી શહેર ભાજપના પ્રમુખ નૈમિશભાઈ પંડિત સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું કમ્યુનિટી હોલ ખાતે વિશાળ કઊઉ સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોએ વડાપ્રધાનના સંબોધન તથા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાનના સંબોધનના માધ્યમથી જનજાતીય સમાજના ઉત્થાન, વિકાસ, શિક્ષણ, સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસના સંદેશને ઉપસ્થિત સૌએ જાણ્યો હતો.


























