HomeAllમોરબી જલારામ ધામ ખાતે ૨૨૭મી જલારામ જયંતીની સેવાભાવી ઉજવણી

મોરબી જલારામ ધામ ખાતે ૨૨૭મી જલારામ જયંતીની સેવાભાવી ઉજવણી

‘જળ એ જ જીવન’ના સંદેશ સાથે વાલમેન ભાઈઓના હસ્તે કેક કટિંગ અને મહાઆરતી યોજાઈ

મોરબી : માનવસેવા, ભક્તિ અને સમર્પણના પ્રતીક એવા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી નિમિત્તે મોરબી જલારામ ધામ ખાતે ભવ્ય, ભાવસભર અને પ્રેરણાદાયી પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ‘જળ એ જ જીવન’ના મહત્ત્વપૂર્ણ સંદેશને સાર્થક કરવા માટે સમાજમાં પાણીનું અમૂલ્ય મહત્ત્વ સમજાવતા એક અનોખી પહેલ કરવામાં આવી હતી.

જન્મજયંતીના પાવન અવસરે વહેલી સવારથી જ જલારામ ધામ ખાતે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય જલારામ’ના ભક્તિમય નાદથી ગુંજી ઊઠ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પ્રભાત ધૂન, આકર્ષક અન્નકૂટ દર્શન, વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ, ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના પાંચ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામ અને પૂજ્ય જલારામ બાપાની સુંદર તથા કલાત્મક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. બાપાની સમક્ષ વિવિધ મિષ્ટાન્ન, ફરસાણ અને ફળોથી સુશોભિત ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો હતો.

જળસેવા સાથે જોડાયેલા વાલમેન ભાઈઓનું વિશેષ સન્માન

મોરબી જલારામ ધામની પરંપરા મુજબ દર વર્ષે સમાજમાં વિશેષ યોગદાન આપતી વ્યક્તિઓને આમંત્રિત કરીને જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે. હાલના સમયમાં ગુજરાતમાં પાણીની અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે ‘જળ એ જ જીવન’ના મંત્રને કેન્દ્રસ્થાને રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી શહેરમાં પાણીની લાઈનો ચાલુ-બંધ કરી ઘર-ઘર સુધી પાણી પહોંચાડવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવતા શ્રમજીવી વાલમેન ભાઈઓને આ જન્મજયંતી મહોત્સવમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. નાગરિકોના જીવનમાં જળરૂપી અમૂલ્ય ભેટ પહોંચાડતા આ કર્મયોગીઓના હસ્તે જ કેક કટિંગ અને મહાઆરતી યોજવામાં આવી હતી.

વાલમેન ભાઈઓના નિઃસ્વાર્થ શ્રમ, સમર્પણ અને જનસેવાના કાર્યને બિરદાવતી આ પહેલ દ્વારા મોરબી જલારામ ધામે સાચા અર્થમાં માનવસેવા અને સામાજિક સન્માનનો સંદેશ આપ્યો હતો. પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની આ ઉજવણી ભક્તિ સાથે માનવતા, શ્રમનું ગૌરવ અને જળસંરક્ષણના સંદેશને ઉજાગર કરતી પ્રેરણાદાયી બની રહી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments