સુપ્રીમ કોર્ટનો આદેશ: વધુ ખાંડ, મીઠું કે ફેટવાળા ખાદ્ય પેકેટ પર લાગશે લાલ ચેતવણીનું નિશાન

દુકાન: કે લારી-ગલ્લા પરથી બિસ્કિટ, વેફર્સ, નમકીન, ઠંડાં પીણાં કે અન્ય પેકેટવાળી ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકને સરળતાથી ખબર પડી જશે કે તેમાં ખાંડ, મીઠું કે ફેટનું પ્રમાણ વધારે છે નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ને વધુ ખાંડ, મીઠું કે ફેટ ધરાવતાં ખાદ્ય પદાર્થોના પેકેટ પર ચેતવણીના નિશાન લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

આ અંતર્ગત વધારે ખાંડ, મીઠું અથવા ફેટવાળા નાસ્તાના પેકેટ પર લાલ રંગનું નિશાન લગાવવમાં આવશે. તેમાં સંબંધિત સામગ્રીની તસવીરની સાથે ‘હાઇ શુગર’, ‘હાઇ સોલ્ટ’ અથવા ‘હાઇ ફેટ’ લખેલું હશે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ને આ અંગે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

બેન્ચે જણાવ્યું કે, ખાંડનું પ્રમાણ નક્કી કરવા માટે ટોટલ શુગર અને ફેટનું પ્રમાણ નક્કી કરવા માટે સેચ્યુરેટેડ ફેટને આધાર બનાવવામાં આવે. આ ઉપરાંત FSSAIએ વૈજ્ઞાનિક તપાસના આધારે આ ઘટકોની મર્યાદા પણ ફરીથી નક્કી કરવાની રહેશે. કોણે કરી હતી સુપ્રીમ કોર્ટમાં અરજી?

આ મામલો ‘3S એન્ડ અવર હેલ્થ સોસાયટી’ નામની પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી સાથે જોડાયેલો છે. ટ્રસ્ટે પેકેટ અને ડબ્બામાં વેચાતી ખાદ્ય વસ્તુઓ પર ફરજિયાત ચેતવણીના લેબલ લગાવવાની માગ કરી હતી. આ અરજીમાં અરજદાર તરફથી એડવોકેટ રાજીવ શંકર દ્વિવેદીએ પક્ષ રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.બે તબક્કામાં નિયમ લાગુ કરવાની હતી યોજના

FSSAI દ્વારા આ નિયમને બે તબક્કામાં લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં જે ખાદ્ય વસ્તુઓમાં ખાંડ, મીઠું અને ફેટમાંથી ઓછામાં ઓછા બે તત્ત્વોનું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે હોય, તેના પેકેટ પર લાલ નિશાન લગાવવાની વાત હતી. તેમાં વધુ ખાંડ (સુગર) ધરાવતા કોલ્ડ ડ્રિંક્સનો પણ સમાવેશ થવાનો હતો. બીજા તબક્કામાં ખાંડ, મીઠું અથવા ફેટમાંથી કોઈ એક તત્ત્વનું પ્રમાણ પણ નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે હોય તો તેના પર ચેતવણીનું લેબલ લગાવવાનો પ્રસ્તાવ હતો. શું છે ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ (FOPL)?

ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ એટલે કે FOPLનો અર્થ છે ખાદ્ય પદાર્થના પેકેટની આગળની બાજુએ પોષકતત્ત્વો અંગેની માહિતી આપવી. હાલમાં મોટાભાગની ખાદ્ય વસ્તુઓના પેકેટની પાછળ અથવા બાજુમાં કેલરી, ફેટ, પ્રોટીન, શુગર અને સોડિયમની માહિતી ટેબલના સ્વરૂપમાં આપવામાં આવે છે. જોકે, ઘણા ગ્રાહકો માટે આ માહિતી સમજવી મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં પેકેટની આગળ લગાવવામાં આવતું લાલ ચેતવણીનું નિશાન ગ્રાહકોને વધુ ખાંડ, મીઠું કે ફેટ ધરાવતી વસ્તુઓ ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. કઈ વસ્તુઓને લેબલમાંથી મળી શકે છે છૂટ?

પ્રસ્તાવ મુજબ, એક જ સામગ્રીમાંથી બનેલી ખાદ્ય વસ્તુઓ અને કુદરતી રીતે ખાંડ, મીઠું અથવા ફેટનું પ્રમાણ વધારે ધરાવતી કેટલીક વસ્તુઓને આ લેબલમાંથી છૂટ આપવાની વાત છે. તેમાં ચોખ્ખું ઘી, ખાદ્ય તેલ, સાદું મીઠું, ખાંડ, ગોળ અને મધનો સમાવેશ થાય છે. HFSS એટલે કે વધુ ફેટ, મીઠું અને ખાંડ ધરાવતા ખાદ્ય પદાર્થોની ઓળખ માટે ICMR-NINની ‘ડાયટરી ગાઇડલાઇન્સ ફોર ઇન્ડિયન્સ, 2024’ને આધાર બનાવવામાં આવશે.સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ફેટ વચ્ચે શું છે તફાવત?

સેચ્યુરેટેડ ફેટ ઘી, માખણ, મલાઈ, પનીર, ચીઝ, માંસ અને નાળિયેર તેલમાં જોવા મળે છે. તેનું વધુ પડતું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું પ્રમાણ વધારી શકે છે. બીજી તરફ, અનસેચ્યુરેટેડ ફેટ મગફળી, બદામ, અખરોટ, તલ, સરસવ અને ઓલિવ ઓઇલ ઉપરાંત માછલીમાં પણ જોવા મળે છે. યોગ્ય માત્રામાં તેનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.