
નવી: દિલ્હી. : કેન્દ્ર સરકાર રૂા.33 હજાર કરોડના સરકારી બોન્ડની હરાજી કરવા જઈ રહી છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન જાહેર કર્યું છે. હરાજી દ્વારા સરકાર 2029, 2033 અને 2056માં પાકતા સરકારી બોન્ડની સાથે સોવરિન ગ્રીન બોન્ડ પણ જાહેર કરશે. તેમાં છૂટક રોકાણકારોને પણ રોકાણ કરવાની તક મળશે. સરકાર રૂા.33 હજાર કરોડના બોન્ડ જાહેર કરશે.

તેમાં 6.20 ટકા વ્યાજ દર ધરાવતાં 2029ના બોન્ડથી રૂા.9,000 કરોડ, 6.57 ટકા વ્યાજ દર ધરાવતા 2033ના બોન્ડથી રૂા.12,000 કરોડ અને 7.63 ટકા વ્યાજ દર ધરાવતા 2056ના બોન્ડથી રૂા.9,000 કરોડ એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત 7.50 ટકા વ્યાજ દર ધરાવતા સોવરિન ગ્રીન બોન્ડ દ્વારા રૂા.3,000 કરોડ એકત્ર કરવામાં આવશે. રૂા.10 હજારથી બોલી લગાવી શકશે હરાજીમાં નાના રોકાણકારોની ભાગીદારી વધારવા માટે બિન-સ્પર્ધાત્મક બોલીની સુવિધા પણ આપવામાં આવી છે. તેના હેઠળ છૂટક રોકાણકારો ઓછામાં ઓછા રૂા.10 હજારના રોકાણથી બોલી લગાવી શકશે. એક રોકાણકાર એક હરાજીમાં કોઈ એક સરકારી સિક્યોરિટી માટે મહત્તમ રૂા.2 કરોડ સુધીની બોલી લગાવી શકે છે.

આ રીતે ભાગ લઈ શકશે રોકાણકારો આરબીઆઈના રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ ખાતા અથવા અધિકૃત બેંક, પ્રાથમિક ડીલર અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ મારફતે તેમાં ભાગ લઈ શકશે. આરબીઆઈના ઈ-કુબેર પ્લેટફોર્મ મારફતે 27 નવેમ્બરે હરાજી માટે બોલી લગાવવામાં આવશે. બિન-સ્પર્ધાત્મક બોલી સવારે 10:30 થી 11:00 વાગ્યા સુધી અને સ્પર્ધાત્મક બોલી સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી જમા કરાવી શકાશે. સફળ રોકાણકારોએ 30 નવેમ્બર 2026ના રોજ ચુકવણી કરવી પડશે. છ મહિનાના ધોરણે વ્યાજ મળશે બોન્ડ પર વ્યાજની ચુકવણી દર છ મહિને કરવામાં આવશે. રોકાણકારોને બોન્ડના નિર્ધારિત વ્યાજ દર મુજબ ચુકવણી મળશે. બોન્ડની મુદત પૂરી થતાં રોકાણની મૂળ રકમ પરત કરી દેવામાં આવશે.































