ગુજરાત રેરાની મોટી ભેટ, હવે એક ક્લિકમાં જાણી શકાશે બિલ્ડરનો આખો ભૂતકાળ

અમદાવાદઃ તા. ૨૬: પોતાના સપનાનું ઘર કે કોઈપણ મિલકત ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકો માટે અત્‍યંત મહત્‍વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્‍યા છે. રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે પારદર્શિતા વધારવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગુજરાત રેરા દ્વારા એક અત્‍યંત મહત્‍વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હવે ગુજરાત રેરા દ્વારા બિલ્‍ડરો અને ડેવલપર્સનો સંપૂર્ણ ટ્રેક રેકોર્ડ જાહેર કરવામાં આવશે. આ નિર્ણયથી પ્રોપર્ટી ખરીદનારા સામાન્‍ય નાગરિકો સાથે થતી છેતરપિંડી અટકશે અને તેઓ સમજી-વિચારીને સુરક્ષિત રોકાણ કરી શકશે.

સામાન્‍ય રીતે કોઈપણ વ્‍યક્‍તિ જીવનભરની મૂડી લગાવીને પ્રોપર્ટી ખરીદતો હોય છે , પરંતુ ઘણીવાર બિલ્‍ડરની વિશ્વસનીયતા અંગે પૂરતી માહિતી ન હોવાથી ગ્રાહકોને પસ્‍તાવાનો વારો આવે છે. ગુજરાત રેરાની આ નવી વ્‍યવસ્‍થાથી હવે ગ્રાહકોને બિલ્‍ડરનો ટ્રેક રેકોર્ડ તપાસવામાં મોટી સરળતા રહેશે. કોઈપણ પ્રોપર્ટી ખરીદતા પહેલા જ ગ્રાહક જે-તે બિલ્‍ડરનો સંપૂર્ણ ભૂતકાળ જાણી શકશે. આ પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડથી ગ્રાહકોને મોટી રાહત મળશે અને બિલ્‍ડરોમાં પણ જવાબદારીની ભાવના વધશે. ગુજરાત રેરા દ્વારા જાહેર કરવામાં આવનારા આ ટ્રેક રેકોર્ડમાં બિલ્‍ડરની કામગીરીને લગતી તમામ મહત્‍વની વિગતોનો સમાવેશ કરવામાં આવશે. આ સુવિધા હેઠળ ગ્રાહકો સરળતાથી ચકાસી શકશે જેમ કે.

.. બિલ્‍ડરે અગાઉ કયા-કયા પ્રોજેક્‍ટ બનાવ્‍યા છે અને તે સમયસર પૂર્ણ થયા છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી. બિલ્‍ડર સામે અત્‍યાર સુધીમાં કેટલી ફરિયાદો નોંધાઈ છે તેની વિગતો. નિયમોના ઉલ્લંઘન બદલ બિલ્‍ડરને કેટલો દંડ ( Penalty ) ફટકારવામાં આવ્‍યો છે તેની માહિતી. પ્રમોટરે પોતાના -ોજેક્‍ટના કેટલા પ્રોગ્રેસ રિપોર્ટ ( Progress Report ) સમયસર રજૂ કર્યા છે તેની સચોટ વિગતો.

પ્રાપ્ત વિગતો અનુસાર , હાલમાં ગુજરાત રેરાના સત્તાવાર પોર્ટલ પર (૧૭ , ૦૦૦ થી વધુ રિયલ એસ્‍ટેટ પ્રોજેક્‍ટ્‍સની માહિતી ઉપલબ્‍ધ છે. આ વિશાળ ડેટાબેઝમાં હવે બિલ્‍ડરોના ટ્રેક રેકોર્ડનો ઉમેરો થવાથી રિયલ એસ્‍ટેટ માર્કેટમાં પારદર્શિતા નવા સ્‍તરે પહોંચશે. જે બિલ્‍ડરો નિયમિત રીતે પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરે છે અને સમયસર પ્રોજેક્‍ટ પૂર્ણ કરે છે , તેમની વિશ્વસનીયતામાં વધારો થશે. બીજી તરફ , ગેરરીતિ આચરતા કે ગ્રાહકોને હેરાન કરતા બિલ્‍ડરોનો ભૂતકાળ જાહેર થવાથી ગ્રાહકો અગાઉથી જ સાવચેત થઈ શકશે.