
મોરબી: અગિયારસથી પૂનમ સુધી મોરબીના લજાઈ ગામે યોજાતી અનોખી ‘લીલી પરિક્રમા’માં આ વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. ૩૦ વર્ષથી યોજાતી આ પરિક્રમામાં આ વર્ષે ૧૨ હજારથી વધુ ભાવિકોએ ભાગ લીધો હતો. ગામની ચોતરફ ફેલાયેલી હરિયાળી, સુંદર રીતે તૈયાર કરાયેલો પરિક્રમા માર્ગ અને રોશનીથી ઝળહળતા સમગ્ર વિસ્તારના કારણે ભાવિકોને જૂનાગઢની પ્રસિદ્ધ લીલી પરિક્રમા જેવી દિવ્ય અનુભૂતિ થઈ હતી.

પરિક્રમાના ઇતિહાસ અંગે માહિતી આપતાં જગદીશ વાજાએ જણાવ્યું હતું કે, આજથી ૩૦ વર્ષ પહેલાં લજાઈ ગામની આસપાસના વિસ્તારમાં આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમય જતાં આ ધાર્મિક આયોજન લોકપ્રિય બન્યું છે. પરિક્રમા દરમિયાન દત્ત ભગવાનના દર્શન સાથે ભીમનાથ મહાદેવ મંદિરના દર્શનનો પણ ભાવિકોને લાભ મળે છે. કુદરતી હરિયાળી વચ્ચે તૈયાર કરાયેલા પરિક્રમા માર્ગ પર ચાલીને ભાવિકો ધન્યતા અનુભવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે.

અગિયારસથી પૂનમ સુધીના પાંચ દિવસ દરમિયાન સવારથી મોડી રાત સુધી ભાવિકોની સતત અવરજવર જોવા મળી હતી. ખાસ કરીને રાત્રિના સમયે ૧,૦૦૦થી ૨,૦૦૦ જેટલા ભાવિકો પરિક્રમા કરવા માટે ઉમટી પડતા હતા. સમગ્ર પરિક્રમા માર્ગ અને આસપાસના વિસ્તારને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો, જેના કારણે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ભૂખ્યા પેટે ભજન ન થાય – ભાવિકો માટે નિઃશુલ્ક ભોજન-નાસ્તાની વ્યવસ્થા

સંતોનો જીવનમંત્ર રહ્યો છે કે ‘ભૂખ્યા પેટે ભજન ન થાય’. આ ભાવનાને લજાઈના આયોજકોએ સાર્થક કરી હતી. પરિક્રમા પૂર્ણ કરનાર તમામ ભાવિકો માટે પાંચેય દિવસ શાંતિભર્યા માહોલમાં ભોજન અને નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ભજીયાં, ગાંઠિયા સહિતની વિવિધ ખાદ્યસામગ્રી ભાવિકોને પીરસવામાં આવી હતી. આ ઉપરાંત ભજન અને ભક્તિના માહોલે સમગ્ર આયોજનને વિશેષ ધાર્મિક રંગ આપ્યો હતો.

સ્વયંસેવકોની સેવા અને સુંદર વ્યવસ્થાથી આયોજન સફળ

પરિક્રમામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા સમગ્ર આયોજનને સુચારુ રીતે પાર પાડવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પરિક્રમા માર્ગની સાફ-સફાઈ, રોશનીની જાળવણી, પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આયોજકો, સેવાભાવી યુવાનો અને વડીલો દિવસ-રાત નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા હતા. સૌના અથાક પરિશ્રમ અને સેવાભાવનાના પરિણામે ૩૦મી લીલી પરિક્રમા શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી.



























