HomeAllઅલ નીનોની અસર નવેમ્બર સુધી રહી શકે, ચોમાસામાં વિલંબ વચ્ચે હવામાન વિભાગના...

અલ નીનોની અસર નવેમ્બર સુધી રહી શકે, ચોમાસામાં વિલંબ વચ્ચે હવામાન વિભાગના નવા અપડેટથી વધી ચિંતા

દુનિયાભરમાં પડી રહેલી રેકોર્ડબ્રેક ગરમીને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ફ્રાન્સમાં ગરમીના કારણે 1000થી વધુ લોકોના મોત થયા છે. જર્મની, સ્પેન, બ્રિટન સહિતના ઘણા યુરોપિયન દેશોમાં એવી ગરમી પડી રહી છે કે રસ્તાઓ પીગળી રહ્યા છે. ભારત ઉપખંડના પણ ઘણા ભાગો ભીષણ ગરમીની લપેટમાં છે. આ ભીષણ ગરમી પાછળનું સૌથી મોટું કારણ ‘અલ નીનો’ને માનવામાં આવી રહ્યું છે.

ભારતના 300 જિલ્લાઓ અલ નીનોની લપેટમાં આવશે

અલ નીનોના કારણે ક્લાઈમેટ વોર્મિંગ (વૈશ્વિક તાપમાન)ના ઘેરાતા સંકટ વચ્ચે ભારત માટે પહેલા એવા સમાચાર આવ્યા હતા કે દેશના 111જિલ્લાઓમાં અલ નીનોની વધુ અસર થવાની આશંકા છે. હવે નવી માહિતી પ્રમાણે અલ નીનોના કારણે ભારતમાં 12 રાજ્યોના 300 જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છે.

આ ચેતવણી સંયુક્ત રાષ્ટ્ર (UN)ની વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO)ના તાજેતરના અહેવાલને આધારે આપવામાં આવી છે. WMOના અહેવાલમાં જણાવાયું છે કે ટ્રોપિકલ પેસિફિક (ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગર)માં સમુદ્રનું પાણી અસામાન્ય રીતે ગરમ થવાને કારણે ‘અલ નીનો’ની સ્થિતિ સર્જાઈ રહી છે.

નવેમ્બર સુધી દેખાશે અલ નીનોની અસર

WMO ના અંદાજ મુજબ, જૂન-ઓગસ્ટ 2026 દરમિયાન અલ નીનોની સ્થિતિ સર્જાવાની શક્યતા 80% છે. તેમજ નવેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા 90% કે તેનાથી વધુ છે. આના કારણે દુનિયાભરમાં તાપમાન અને વરસાદની પેટર્ન (ચક્ર) પર અસર પડી શકે છે અને આગામી મહિનાઓમાં આપત્તિઓનું જોખમ વધી શકે છે. દેખીતી રીતે જ અલ નીનોનું સંકટ ઘેરૂ બની રહ્યું છે, અને ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર તેની જે અસર પડશે તેને લઈને ચિંતા અને તણાવ સતત વધી રહ્યો છે.

ICARએ વ્યક્ત કરી 315 જિલ્લામાં દુષ્કાળની આશંકા

કૃષિ મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) એ સાથે મળીને વૈજ્ઞાનિક ડેટાના આધારે 315 જિલ્લાઓનું મૂલ્યાંકન કર્યું છે, જ્યાં ઓછો વરસાદ અને સિંચાઈની અછતનું જોખમ વધારે છે, કારણ કે આ 315 જિલ્લાઓમાં ચોમાસું નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમાંથી 111 જિલ્લાઓ એવા છે જ્યાં સિંચાઈનો વ્યાપ 25 ટકાથી ઓછો છે, જ્યારે 76 જિલ્લાઓમાં 25 થી 50 ટકા સુધી સિંચાઈની વ્યવસ્થા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments