વર્ષ ૨૦૨૬ની આખરી જેમીનીડ્સ ઉલ્કાવર્ષા ૧૩ અને ૧૪ ડિસેમ્બરની મધ્યરાત્રિએ સર્જશે આકાશમાં અદભૂત નજારો

વર્ષ ૨૦૨૬ની જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનું આકાશી દૃશ્ય

૪થી ૧૭ ડિસેમ્બર દરમિયાન સક્રિય રહેતી ઉલ્કાવર્ષાનો શ્રેષ્ઠ નજારો ૧૩ અને ૧૪ ડિસેમ્બરની મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી નિહાળી શકાશે

અમદાવાદ: વર્ષ ૨૦૨૬ની અંતિમ અને અદભૂત ખગોળીય ઘટનાઓમાંની એક એવી જેમીનીડ્સ ઉલ્કાવર્ષા તા. ૪ ડિસેમ્બરથી ૧૭ ડિસેમ્બર સુધી આકાશમાં જોવા મળશે. ખાસ કરીને તા. ૧૩ અને ૧૪ ડિસેમ્બરની મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી ઉલ્કાવર્ષાનો શ્રેષ્ઠ નજારો નિહાળી શકાશે. ગુજરાતના લોકો સ્વચ્છ આકાશમાં કોઈપણ સાધન વિના નરી આંખે આ અવકાશી આતશબાજીનો આનંદ માણી શકશે. ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા લોકોને આ ખગોળીય ઘટનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાના જણાવ્યા અનુસાર, દર વર્ષે ડિસેમ્બર મહિનામાં થતી જેમીનીડ્સ ઉલ્કાવર્ષા વિશ્વની જાણીતી ઉલ્કાવર્ષાઓમાંની એક છે. શરૂઆતમાં કલાકના ૫થી ૧૦ ઉલ્કા જોવા મળશે, જ્યારે મહત્તમ સમયે કલાકના ૫૦થી ૧૨૦ સુધી ઉલ્કાઓ ખરતી જોવા મળી શકે છે. રાજકોટ અને અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા. ૧૩ અને ૧૪ની મધ્યરાત્રિ બાદથી સૂર્યોદય પહેલાં આ નજારો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

ઉલ્કાવર્ષા નિહાળવા માટે મધ્યરાત્રિથી વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. ઉત્તર અને પૂર્વ દિશા તરફ જોવું લાભદાયી રહેશે, જોકે ઉલ્કાઓ આકાશની ચારેય દિશામાં જોવા મળી શકે છે. ઉલ્કાઓ પ્રતિ સેકન્ડ આશરે ૭૦થી ૧૩૦ કિલોમીટરની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે. કેટલીક ઉલ્કાઓ અત્યંત ચમકદાર હોવાથી ફાયરબોલમાં ફેરવાઈ જાય છે અને પીળા, લીલા તથા વાદળી રંગના પ્રકાશ સાથે આકાશમાં દિવાળીની આતશબાજી જેવાં દૃશ્યો સર્જે છે.

જમીનીડ્સ ઉલ્કાવર્ષાનું મુખ્ય કારણ ૩,૨૦૦ ફાયેથોન તરીકે ઓળખાતો અવકાશી પદાર્થ છે. તેના કણો અને ટુકડાઓ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશતાં પૃથ્વીના વાતાવરણ સાથે અથડાય છે, જેના કારણે ઉલ્કાવર્ષા સર્જાય છે. આ નજારો ખગોળપ્રેમીઓ માટે જીવનભર યાદ રહી જાય તેવો રોમાંચક અનુભવ બની શકે છે.

જયંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, અવકાશી પદાર્થોના નાના ટુકડાઓ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રચંડ ઝડપે પ્રવેશે છે ત્યારે પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેને મેટીયોર અથવા ખરતા તારા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર દરરોજ આશરે ૪૦ ટન જેટલી ઉલ્કાઓ વાતાવરણમાં પ્રવેશે છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે આવી ઘટનાઓ જોઈ શકાતી નથી. ઉલ્કાઓમાં લોખંડ અને નિકલ હોય છે તથા તેની રજ અને ધૂળની ઓળખ માટે લોહચુંબકનું પરીક્ષણ ઉપયોગી છે.

વર્ષ દરમિયાન ૧૦થી ૧૨ વખત ઉલ્કાવર્ષા જોવા મળે છે, જેમાંથી વધુમાં વધુ પાંચ વિશેષ નોંધપાત્ર હોય છે. આ ઘટનાઓ પાછળ ધૂમકેતુઓ જવાબદાર હોય છે. ધૂમકેતુઓ સૂર્યની આસપાસ પરિભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં અવકાશી કણોનો માર્ગ છોડે છે. પૃથ્વી આ કણોમાંથી પસાર થાય ત્યારે તે ટુકડાઓ પ્રચંડ વેગથી વાતાવરણમાં પ્રવેશતાં ઉલ્કાવર્ષા સર્જાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ ઉલ્કાઓ પડવાની નોંધ રાખવામાં આવે છે.

લોકોમાં વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે રસ વધે તથા બાળકો સાથે અવકાશી ઘટનાઓનું નિરીક્ષણ કરવાની તક મળે તે હેતુથી જાથા દ્વારા રાજ્યભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, રાજપીપળા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવાગઢ અને ગોધરા સહિતનાં નાનાં-મોટાં શહેરોમાં તા. ૧૩ અને ૧૪ ડિસેમ્બરની મધ્યરાત્રિથી વહેલી પરોઢ સુધી ઉલ્કાવર્ષા નિહાળવાની વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્કાવર્ષા નિહાળવા માટે દરિયાકિનારા, પર્વતીય વિસ્તારો, ખડકાળ સ્થળો અને પ્રકાશથી દૂર આવેલા નિર્જન વિસ્તારો પસંદ કરવા ખગોળપ્રેમીઓને અપીલ કરવામાં આવી છે. જાથા દ્વારા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ આયોજનમાં જાથાના દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, કાર્તિક ભટ્ટ, અશ્વિન કુગશીયા, નિર્મળ મેત્રા, વિક્રમ કુગશીયા, ભોજાભાઈ ટોયટા, આકાશ પંડ્યા, હર્ષાબેન વકીલ, ભક્તિબેન રાજગોર અને ભાનુબેન શેઠીયા સહિત અનેક સભ્યો જોડાયા છે. જાથા દ્વારા લોકોને તા. ૧૩ અને ૧૪ ડિસેમ્બરની મધ્યરાત્રિ બાદ આ અદભૂત ખગોળીય નજારો નિહાળવાની અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.