મોરબી GMERS મેડિકલ કોલેજમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ સામે જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા

GMERS મેડિકલ કોલેજ મોરબી ખાતે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ કાર્યક્રમ

વિશ્વ AMR અવેરનેસ વીક અંતર્ગત તબીબી વિદ્યાર્થીઓ અને આરોગ્યકર્મીઓ માટે જાગૃતિ તથા તાલીમ કાર્યક્રમો યોજાયા

૨૭-૧૧-૨૦૨૬: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિર્ધારિત ‘વર્લ્ડ AMR અવેરનેસ વીક ૨૦૨૬’ અંતર્ગત GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે તા. ૧૮ થી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન “One Health, One Action: Prevent AMR Now” થીમ સાથે સપ્તાહભર વિવિધ જાગૃતિ અને તાલીમલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે જાગૃતિ વધારવા અને એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમોમાં તબીબી વિદ્યાર્થીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ તથા હોસ્પિટલના અન્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમના પ્રથમ દિવસે AMR Awareness Selfie Pointનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ‘Go Blue for AMR’ અભિયાન અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતા. ડો. દિનેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ ઓડિટોરિયમમાં માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબી વિદ્યાર્થીઓ તથા આરોગ્યસંભાળ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે AMR અંગે તાલીમ આપવામાં આવી હતી.

સપ્તાહ દરમિયાન ફાર્માકોલોજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે AMR-IPC (Infection Prevention and Control) વિષય પર પોસ્ટર તથા અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ OPD અને IPD વિભાગોમાં પ્રિસ્ક્રિપ્શન ઓડિટ હાથ ધરી રિઝર્વ એન્ટિબાયોટિક્સના ઉપયોગની સમીક્ષા કરવામાં આવી હતી.

માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ICU અને હોસ્પિટલના વોર્ડમાં હેન્ડ હાઇજીન તથા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અંગે ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફ દ્વારા યોગ્ય દવાઓના ઉપયોગ અને એન્ટિબાયોટિક્સના જવાબદાર વપરાશ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

સમગ્ર સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના જોખમ અંગે જાગૃતિ ફેલાવવાની સાથે એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ અટકાવવા અને ચેપ નિયંત્રણની પદ્ધતિઓને વધુ અસરકારક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં AMR સામેની લડાઈમાં જનજાગૃતિ અને જવાબદાર દવાઓના ઉપયોગના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.