મોરબી: નાનીવાવડી-પંચાસર નજીક ચેકડેમમાં પાણી રોકાતાં ખેડૂતોમાં રોષ, રવિપાક પર સંકટના વાદળો

મોરબીના નાનીવાવડી-પંચાસર નજીક ચેકડેમમાં પાણી રોકાયેલું દૃશ્ય

અવૈધ પાળો દૂર કરી સિંચાઈનું પાણી આપવા ખેડૂત હિત સમિતિની કલેક્ટરને રજૂઆત

મોરબી: ૨૭-૧૧-૨૦૨૬: મોરબી જિલ્લાના નાનીવાવડી-પંચાસર ગામ નજીક વોકળા પર આવેલા ચેકડેમમાં કેટલાક શખ્સો દ્વારા અવૈધ રીતે પાળો બાંધી પાણી રોકી દેવામાં આવતાં આસપાસના ગામોના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ખેડૂત હિત સમિતિ, નાનીવાવડી દ્વારા કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી અવૈધ પાળો તાત્કાલિક તોડી પાડી ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સૌની યોજના હેઠળ વોકળામાં આવેલા ચેકડેમ ભરવા માટે પાણી છોડવામાં આવે છે. આ પાણી લજાઈ પાસે વીરપર થઈને રાજપર, પંચાસર, નાનીવાવડી, બગથળા, બિલિયા અને મોડપર સુધી પહોંચાડવાનું આયોજન છે. જોકે, ચેકડેમ પર અવૈધ રીતે પાળો બનાવી પાણીનો પ્રવાહ અટકાવી દેવામાં આવતાં આગળના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું નથી.

ખાસ કરીને નાનીવાવડી, બગથળા, બિલિયા અને મોડપર ગામના ખેડૂતો પાણીથી વંચિત રહેવાની સ્થિતિમાં મુકાયા છે. સમયસર સિંચાઈનું પાણી નહીં મળવાથી ખેડૂતોનો રવિપાક બગડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ ગંભીર બાબતે ખેડૂત હિત સમિતિ (નાનીવાવડી) વતી કે.ડી. પડસુંબિયા દ્વારા તા. ૨૭-૧૧-૨૦૨૬ના રોજ કલેક્ટરને ઈ-ટપાલ મારફતે લેખિત રજૂઆત મોકલવામાં આવી છે. જેમાં ચેકડેમ પર બનાવવામાં આવેલો અવૈધ પાળો તાત્કાલિક દૂર કરી પાણીનો કુદરતી પ્રવાહ પુનઃસ્થાપિત કરવા તેમજ અસરગ્રસ્ત તમામ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે.