અંજારની જ્ઞાની પોમલે ભરતનાટ્યમમાં રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યું પ્રથમ સ્થાન, ગોલ્ડ મેડલથી કચ્છનું નામ કર્યું રોશન

મોરબી/અંજાર: શ્રી મારૂ કંસારા સોની સમાજની દીકરી કુ. જ્ઞાની નિરુપભાઈ પોમલે શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી સમગ્ર અંજાર, કચ્છ અને સમાજનું ગૌરવ વધાર્યું છે. આંદામાનના શ્રી વિજયા પુરમ ખાતે યોજાયેલા 16મા આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કલા મહોત્સવ ‘કલ્ચરલ ઓલિમ્પિયાડ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ 2026’માં ભરતનાટ્યમની સિનિયર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) પોતાના નામે કર્યો છે.

કુ. જ્ઞાનીએ સ્પર્ધામાં ભરતનાટ્યમની ભાવસભર અને મનમોહક પ્રસ્તુતિ દ્વારા પોતાની નૃત્યકળા, લયબદ્ધ મુદ્રાઓ, ભાવ-અભિનય અને કલાત્મક પરિપક્વતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમની પ્રભાવશાળી રજૂઆતથી નિર્ણાયકો સહિત ઉપસ્થિત પ્રેક્ષકો પ્રભાવિત થયા હતા અને તેમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો.

જ્ઞાનીની આ સિદ્ધિથી પરિવારજનો અને સમગ્ર સોની સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે. શ્રી મારૂ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ, અંજારના પ્રમુખ દેવેનભાઈ કે. હેડાઉ સહિત જ્ઞાતિના આગેવાનો, સામાજિક સંસ્થાઓ, સ્નેહીજનો અને શુભેચ્છકોએ જ્ઞાનીને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

આ પ્રસંગે દેવેનભાઈ કે. હેડાઉએ જણાવ્યું હતું કે જ્ઞાનીની આ સિદ્ધિ આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. આ સફળતા પાછળ માતા-પિતાના સંસ્કાર, ગુરુજનોનું માર્ગદર્શન અને જ્ઞાનીની સતત મહેનત તથા નૃત્ય પ્રત્યેની સમર્પિત સાધનાનો મહત્વનો ફાળો છે. જ્ઞાની ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી સફળતાનાં નવા શિખરો સર કરે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.

જ્ઞાનીની આ આંતરરાષ્ટ્રીય મંચ પરની સિદ્ધિ સમગ્ર અંજાર અને કચ્છ માટે ગૌરવની બાબત બની છે. (મહેશ એલ. સોની, નખત્રાણા)