
મોરબી: તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૭: ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં રૂ. ૩,૫૩,૪૭,૦૦૦/-ના ખર્ચે નવીન વિરપર હેડવર્ક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ જળ પુરવઠા યોજનાથી ટંકારા તાલુકાનાં ૨૦ ગામો અને પરાંના અંદાજે ૪૧,૪૭૬ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે, જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં જળ સુરક્ષા અને આરોગ્ય સુખાકારીને નવું બળ મળ્યું છે.

જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ. દામાએ જણાવ્યું હતું કે, ટંકારા ગ્રુપ સુધારણા યોજના અંતર્ગત સાકાર થયેલા નવીન વિરપર હેડવર્ક્સ ખાતે ૬.૦૦ MLD ક્ષમતાનો અદ્યતન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૧૮ લાખ લીટર ક્ષમતાનો સંપ અને ૮ લાખ લીટર ક્ષમતાની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક પંપ હાઉસ, પમ્પિંગ મશીનરી, સ્ટાફ ક્વાર્ટર, આરસીસી રોડ તથા કમ્પાઉન્ડ વોલ સહિતની જરૂરી માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.

આ યોજના હેઠળ વિરપર હેડવર્ક્સ ખાતેના ૬.૦૦ MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પાણીનું યોગ્ય ફિલ્ટરેશન અને ક્લોરીનેશન કરીને સંબંધિત ગામોમાં નિયમિતપણે શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાથી ગ્રામ્ય નાગરિકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થવા સાથે તેમના દૈનિક જીવનમાં પણ નોંધપાત્ર રાહત મળી છે.

આ યોજનાનો લાભ મેળવનાર ટંકારા તાલુકાનાં ૨૦ ગામો અને પરાંમાં હડમતિયા, વિરપર, લજાઈ, ધ્રુવનગર, રાજપર, નશીતપર, નવું નશીતપર, પંચાસર, શિવનગર, થોરાળા, અમરાપર, નાગલપર, માણેકવાડા, સરદારનગર, મોટીવાવડી, ગાંધીનગર, ચાંચાપર, રામેશ્વરનગર, ગુલાબનગર અને ખાનપરનો સમાવેશ થાય છે.

આમ, મજબૂત માળખાકીય સુવિધાઓ અને સુઆયોજિત પાણી પુરવઠા વ્યવસ્થાના માધ્યમથી નવીન વિરપર હેડવર્ક્સ યોજના ટંકારા તાલુકાના ૨૦ ગામોના ૪૧,૪૭૬ નાગરિકો માટે શુદ્ધ પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિકાસ અને નાગરિકોની સુખાકારી તરફ આ યોજના એક મહત્વપૂર્ણ કદમ બની છે.




























