પરિસીમન બિલથી ગુજરાતમાં થશે મોટી ‘ઉથલપાથલ’? બેઠકો વધવાથી રાજકીય ગણિત બદલાઈ શકે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે મહિલા અનામતને લાગુ કરવા માટે પરિસીમન સાથે જોડાયેલા બંધારણીય સુધારા બિલને કેબિનેટની મંજૂરી આપી છે. આ બિલ પર ચર્ચા અને તેને રજૂ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાનું સત્ર મળશે. પ્રસ્તાવિત જોગવાઈ મુજબ દેશનાં રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો થઈ શકે છે. આ વ્યવસ્થા 2051 સુધી અમલમાં રાખવાનો પ્રસ્તાવ છે. બિલ પસાર થઈ કાયદો બને તો ગુજરાતના રાજકીય માળખામાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાતમાં 182માંથી 273 વિધાનસભા બેઠકો થવાની શક્યતા

હાલ ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે, જે વધીને 273 થઈ શકે છે. એટલે કે રાજ્યમાં અંદાજે 91 નવી બેઠકો ઉમેરાઈ શકે છે. પરિસીમન બાદ હાલના મતવિસ્તારોની સીમાઓમાં ફેરફાર થવાની સાથે નવી બેઠકો અસ્તિત્વમાં આવી શકે છે અને કેટલીક બેઠકોનાં નામ પણ બદલાઈ શકે છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠકોની સંખ્યામાં પણ ફેરફાર થઈ શકે છે. પ્રસ્તાવિત વ્યવસ્થા પ્રમાણે ગુજરાત વિધાનસભાની કુલ 273 બેઠકોમાંથી એક તૃતીયાંશ એટલે કે 91 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી શકે છે.

ગુજરાતની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ ત્યારે વિધાનસભાની 132 બેઠકો હતી. ત્યારબાદ 1962માં આ સંખ્યા વધીને 154 અને 1967માં 168 થઈ હતી. વર્ષ 1976માં બેઠકોની સંખ્યા 182 નક્કી કરવામાં આવી હતી, જે ત્યારથી યથાવત છે. લોકસભાની 26 બેઠકો વધીને 39 થઈ શકે

ગુજરાતમાં હાલ લોકસભાની કુલ 26 બેઠકો છે, જે પ્રસ્તાવિત 50 ટકાના વધારા પ્રમાણે વધીને 39 થઈ શકે છે. એટલે કે રાજ્યને લોકસભામાં 13 બેઠકો વધુ મળી શકે છે. આમાંથી આશરે 13 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની શક્યતા છે. હાલમાં ગુજરાતની લોકસભા બેઠકોમાં ગાંધીનગર, નવસારી, ખેડા, કચ્છ, જૂનાગઢ, પાટણ, સુરત, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, દાહોદ, અમરેલી, રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, બારડોલી, અમદાવાદ પૂર્વ, આણંદ, જામનગર, પોરબંદર, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, છોટા ઉદેપુર અને મહેસાણાનો સમાવેશ થાય છે. આ પૈકી હાલ બે બેઠકો અનુસૂચિત જાતિ અને ચાર બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

પરિસીમન બાદ આ અનામત બેઠકોની સંખ્યામાં પણ ફેરફાર થઈ શકે છે. જો પ્રસ્તાવિત ફેરફારો અમલમાં આવે તો 2029ની લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા બંનેનું રાજકીય ગણિત બદલાઈ શકે છે.