HomeAllચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત: ડેમી-૨ ડેમમાંથી 15 એમસીએફ્ટી પાણી છોડવામાં આવ્યું

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત: ડેમી-૨ ડેમમાંથી 15 એમસીએફ્ટી પાણી છોડવામાં આવ્યું

મોરબી, તા. 16 જૂન, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ડેમી-૨ સિંચાઈ યોજનાના અંતર્ગત નસીતપર ગામ નજીક આવેલા ડેમી-૨ ડેમમાંથી આજે સોમવારે 15 એમસીએફ્ટી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસા પૂર્વે ખેતી માટે જરૂરી પાણી ઉપલબ્ધ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ડેમી-૨ સિંચાઈ યોજનાના સેકશન અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા મોરબી અને ટંકારા પંથકના ખેડૂતોને વાવેતર પૂર્વે પાણી આપવાની મંજૂરી આપવામાં આવતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં જળાશયમાં 45.20 મીટર લેવલે કુલ 233.05 એમસીએફ્ટી પાણીનો જથ્થો સંગ્રહિત છે, જેમાંથી 15 એમસીએફ્ટી પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી છોડવામાં આવેલું પાણી હેઠવાસના ચેકડેમોને ભરવામાં ઉપયોગી બનશે, જેના કારણે વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. હાલમાં ડેમમાંથી આશરે 1101 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા અંગે ચેતવણી પણ આપવામાં આવી છે. ખાસ કરીને ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર તેમજ મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર અને કોયલી ગામના લોકોને નદીના પટ્ટા અને આસપાસના વિસ્તારમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ચોમાસાની શરૂઆત પૂર્વે જ સમયસર પાણી છોડવાના નિર્ણયથી ખેડૂતોને વાવેતરની તૈયારીઓમાં મોટી રાહત મળી છે અને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments