HomeAllરવાપર રોડના વિકાસ સાથે હરિયાળી જળવાય તે માટે સ્થાનિકોની માંગ

રવાપર રોડના વિકાસ સાથે હરિયાળી જળવાય તે માટે સ્થાનિકોની માંગ

મોરબી, તા. 16 જૂન, મોરબી શહેરમાં નિર્માણાધીન રવાપર રોડના વિકાસ કાર્યને સ્થાનિક નાગરિકોએ આવકારતા મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ રોડના નિર્માણ દરમિયાન પર્યાવરણની જાળવણીને પ્રાધાન્ય આપી રોડની બંને બાજુ વૃક્ષારોપણ માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

સ્થાનિક રહેવાસીઓએ માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ તેના ઉછેર અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારવાની તૈયારી દર્શાવી છે.
રવાપર રોડ વિસ્તારના જાગૃત નાગરિકોએ મહાનગરપાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નવજીવન સ્કૂલથી રવાપર ચોકડી સુધીના માર્ગ પર બંને બાજુ આયોજનબદ્ધ રીતે વૃક્ષારોપણ માટે જગ્યા રાખવામાં આવે.

અંદાજે દર 10 થી 20 ફૂટના અંતરે વૃક્ષો વાવી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા રોડ નિર્માણ દરમિયાન જ કરવામાં આવે તો ભવિષ્યમાં ફૂટપાથ કે રોડ તોડવાની જરૂરિયાત ઊભી નહીં થાય. આ પ્રકારનું આયોજન વિસ્તારને વધુ હરિયાળો, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

સ્થાનિક રહેવાસીઓ તથા સામાજિક કાર્યકરોએ કોર્પોરેશનના સહયોગથી વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી તેના સંરક્ષણ અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની તૈયારી પણ વ્યક્ત કરી છે.

આ ઉપરાંત રોડની નીચે આવનારી પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા, કેબલ સહિતના તમામ અંડરગ્રાઉન્ડ કામો અગાઉથી પૂર્ણ કરવામાં આવે તેવી ટકોર કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં નવા બનેલા રોડને ફરી તોડવાની જરૂર ન પડે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા રોડ ઉપરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments