
મોરબી, તા. 16 જૂન, મોરબીના રવાપર વિસ્તારમાં ચાલી રહેલા રોડ નિર્માણ કાર્ય દરમિયાન માર્ગ અને મકાન વિભાગ તથા કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. રોડ પર 3થી 4 ફૂટ ઊંડા ખાડા ખુલ્લા મૂકી દેવામાં આવતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. સોમવારે બનેલી એક ઘટનામાં સ્કૂટર પર પસાર થઈ રહેલા માતા-પુત્રી ખુલ્લા ખાડામાં ખાબક્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રવાપર વિસ્તારમાં રોડ અને સ્ટોર્મ વોટર લાઇનનું કામ ચાલી રહ્યું છે. સ્થળ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ચેતવણીના સાધનોના અભાવે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતગ્રસ્ત મહિલા પોતાની નાની બાળકીને લઈને એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક વાહન ખાડામાં ખાબક્યું હતું.

સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી અને બંનેને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે ઘટના મેયરની સોસાયટી નજીક બનતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે વિકાસકામોની જાહેરાતો અને નિરીક્ષણના ફોટો સેશન કરતાં વાસ્તવિક સ્થિતિ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે શહેરમાં ચાલી રહેલા વિકાસકામો દરમિયાન નાગરિકોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. ખુલ્લા ખાડાઓ પાસે જરૂરી બેરિકેડ, રિફ્લેક્ટર અને ચેતવણી બોર્ડ મૂકવામાં આવે તેમજ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે.

આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે સ્થળ પર રોડ અને સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી ચાલી રહી છે. ટ્રાફિકની સુવિધાને ધ્યાનમાં રાખી તબક્કાવાર ખોદકામ કરવામાં આવે છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જોકે ઘટના બાદ વધુ સઘન સલામતીના પગલાં સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.
























