
દેશમાં વધી રહેલા ઊર્જા સંકટને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની સુવિધા અને વ્યવસ્થામાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી 1 જૂનથી દેશમાં કઙૠ ગેસ સિલિન્ડરને લઈને એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત જો તમે બેદરકારી રાખશો તો તમાં ગેસ કનેક્શન કેન્સલ પણ થઈ શકે છે.

વાસ્તવમાં, સરકારના કડક નિર્દેશો છતાં લોકો PNG (પાઇપલાઇન નેચરલ ગેસ) કનેક્શન લીધા પછી પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ બંધ નથી કરી રહ્યા, જેના કારણે સરકારે હવે આ કડક આદેશ જાહેર કર્યો છે.

સરકારના સુધારેલા નિયમ અનુસાર, જે પરિવારો પાસે ઓલરેડી પીએનજી કનેક્શન ઉપલબ્ધ છે, તેમણે પોતાનું એલપીજી કનેક્શન સરન્ડર કરવું પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ ઘરેલું સિલિન્ડરોના દુરુપયોગ, સંગ્રહખોરી અને કાળાબજારીને રોકવા માટે આવા પરિવારોની ઓળખ શરૂ કરી દીધી છે.

એક જ સરનામાં પર પીએનજી અને એલપીજી બંને કનેક્શન રાખવા પર હવે પ્રતિબંધ છે. જે વિસ્તારોમાં પીએનજીની સુવિધા છે, ત્યાં જો ગ્રાહકો નક્કી કરેલી સમયમર્યાદામાં પીએનજી પર સ્વિચ નહીં કરે, તો તેમનો એલપીજી પુરવઠો બંધ કરી દેવામાં આવશે અથવા કનેક્શન આપોઆપ રદ થઈ જશે.

નવા નિયમ મુજબ, જે વિસ્તારોમાં પીએનજી પાઇપલાઇન નાખવામાં આવી છે, ત્યાં રહેતા પરિવારો હવે ઘરેલું એલપીજી સિલિન્ડર બુક કે રિફિલ કરાવી શકશે નહીં. આ માટે ગેસ વિતરણ કંપનીઓએ પોતાના ડિજિટલ ડેટાબેઝને એકબીજા સાથે લિંક કરી દીધા છે. જો કે, સરકારે પીએનજી કનેક્શનના વિસ્તરણ માટેની અંતિમ તારીખ લંબાવીને 30 જૂન સુધી કરી છે.

નિયમ મુજબ, પીએનજી કનેક્શન મેળવ્યાના 30 દિવસની અંદર ગ્રાહકોએ પોતાનું એલપીજી કનેક્શન બંધ કરાવવાનું રહેશે. પરંતુ સરકાર ગ્રાહકોને આ કનેક્શન ભવિષ્યમાં ફરી એક્ટિવ કરવાની મંજૂરી પણ આપશે.

આ સુવિધાનો ફાયદો એ થશે કે જો ગ્રાહક ભવિષ્યમાં એવા કોઈ વિસ્તારમાં રહેવા જાય જ્યાં પીએનજી કનેક્શન ઉપલબ્ધ ન હોય, તો તેઓ પોતાનું એલપીજી કનેક્શન ફરીથી એક્ટિવ કરાવી શકશે.

ગેસ સિલિન્ડર બુકિંગ માટે નવી ડેડલાઇન અને સબસિડીના નિયમો
ગેસના દુરુપયોગ અને પુરવઠાની અછતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સિલિન્ડર બુકિંગના દિવસોમાં ફેરફાર કરાયો છે. હવે શહેરી વિસ્તારોના ગ્રાહકો માટે એલપીજી રિફિલનો લોક-ઇન પિરિયડ 21 દિવસથી વધારીને 25 દિવસ અને ગ્રામીણ ગ્રાહકો માટે 45 દિવસનો કરવામાં આવ્યો છે. એટલે કે, શહેરી ગ્રાહકો 25 દિવસ પહેલા બીજો સિલિન્ડર બુક નહીં કરાવી શકે.

આ સાથે જ, પરિવારોને વર્ષમાં માત્ર 12 સબસિડીવાળા ઘરેલું સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે અને તેનાથી વધુ સિલિન્ડર લેવા પર માર્કેટ રેટ મુજબ ચૂકવણી કરવાની રહેશે. આ ઉપરાંત, હવેથી નવું એલપીજી કનેક્શન લેવા પર સુધારેલી ડિપોઝિટ મની અને સેટઅપ ચાર્જ (જેમાં રેગ્યુલેટર, પાઇપ અને ઇન્સ્ટોલેશન ફી સામેલ છે) ચૂકવવો પડશે.




















