
ભારતમાં નવી કરણીય ઉર્જાના ક્ષેત્રમાં ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતના કચ્છ જિલ્લામાં ફેલાયેલા વિશાળ સૌર પાર્કોના કારણે દેશની સૌર ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. દેશ હવે પરંપરાગત કોલસા આધારિત ઉર્જા મોડલથી દૂર જઈ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી સૌર ઉર્જા તરફ આગળ વધી રહ્યો છે.

અમેરિકાના પર્યાવરણ કેન્દ્રિત ન્યૂઝ પોર્ટલ ગ્રિસ્ટ દ્વારા યેલ ઇ-360ના અહેવાલના આધારે જણાવાયું છે કે કચ્છના રણ વિસ્તારમાં વિકસિત થતો ખાવડા સૌર પાર્ક વિશ્વના સૌથી મોટા નવી કરણીય ઉર્જા કેન્દ્રોમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યો છે. ભારત-પાકિસ્તાન સીમા નજીક આશરે 280 વર્ગ માઇલ વિસ્તારમાં ફેલાયેલ આ પ્રોજેક્ટ 2029 સુધીમાં દુનિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજનામાં સામેલ થઈ શકે છે.

આ મહાપ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અંદાજે 6 કરોડથી વધુ સૌર પેનલો સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા 30 ગીગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન થશે. આટલી વીજળી ઓસ્ટ્રિયા જેવા મોટા દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી ગણાય છે.

રિપોર્ટ અનુસાર ભારતની સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતામાં દર વર્ષે આશરે 40 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે અને માર્ચ 2026 સુધીમાં દેશની કુલ સૌર ઉર્જા ક્ષમતા 150 ગીગાવોટને પાર પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ ભારતની બદલાતી ઉર્જા નીતિ અને નવી કરણીય ઉર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

એક દાયકાં પહેલાં ભારતનું ઉર્જા માળખું મુખ્યત્વે કોલસા આધારિત હતું, પરંતુ સૌર પેનલોની ઘટતી કિંમતો, વધતી ટેક્નોલોજી અને દેશમાં ઉપલબ્ધ પ્રચુર સૂર્યપ્રકાશના કારણે સરકારે હવે સૌર ઉર્જા ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ શરૂ કર્યું છે. પરિણામે ભારત ધીમે ધીમે સ્વચ્છ ઉર્જા તરફનું મજબૂત પગલું ભરી રહ્યું છે.

વીજળીની વધતી માંગ અને જીવાશ્મ ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ સાથે ભારતે વર્ષ 2030 સુધીમાં સૌર ઉર્જા ક્ષમતાને વધુ ડબલ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી છે. ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ભારત વિશ્વના અન્ય મોટા દેશોથી અલગ દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યાં કોલસા આધારિત વિકાસના બદલે સૌર ઉર્જા આધારિત વિકાસ મોડલ અપનાવવામાં આવી રહ્યું છે.























