
દીકરીઓએ સાત સ્તરીય નારીશક્તિ પિરામિડ રચી આત્મરક્ષા અને સ્વાવલંબનનો આપ્યો શક્તિશાળી સંદેશ
(મહેશ એલ. સોની, નખત્રાણા )”શ્રદ્ધા સાથે શક્તિ, સંસ્કાર સાથે સ્વરક્ષા” ના પવિત્ર સૂત્રને સાકાર કરવા કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ દ્વારા નખત્રાણા સ્થિત નિષ્કલંકી ધામ ખાતે તા. ૨૫ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન પંચદિવસીય “સ્વરક્ષા, શસ્ત્ર પ્રશિક્ષણ શિબિર – સક્ષમ 2026” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં પ. પૂ. જગદ્ગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજ, પ. પૂ. શાંતિપ્રિયદાસજી મહારાજ, પ. પૂ. મહામંડલેશ્વર દિવ્યાનંદહરીજી મહારાજ, પ. પૂ. મહંત પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, પ. પૂ. સંત રતીબાપા તથા પ. પૂ. સંત પંકજદાસજી મહારાજ સહિતના સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી.

શિબિરમાં જયોતિબેન ગોહિલ (મહામંત્રી કચ્છ કલાવૃંદ સાહિત્ય સંસ્થા), હિરલબેન પટેલ (વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા પાંખ) તેમજ ઈરાબેન જાટીયા (રાષ્ટ્રીય સેવિકા સમિતિ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરનો મુખ્ય ઉદ્દેશ યુવતીઓને માત્ર શિક્ષણ અને કારકિર્દીમાં જ નહીં પરંતુ આત્મસુરક્ષા, સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાની ભાવનામાં પણ આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો રહ્યો હતો. પાંચ દિવસ દરમિયાન યુવતીઓને શારીરિક સ્વરક્ષા, શસ્ત્ર પ્રશિક્ષણ, કર્તવ્યનિષ્ઠા, સનાતન ધર્મ અને રાષ્ટ્રભક્તિના મૂલ્યો અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.

શિબિરમાં જીજ્ઞાબેન રાવલ દ્વારા રાઇફલ અને પિસ્તોલ પ્રશિક્ષણ, જ્યોતિબેન ગોહિલ દ્વારા તલવાર તાલીમ, ઈરાબેન જાટીયા દ્વારા દંડ તાલીમ તથા પલવીબેન રાજપૂત દ્વારા કરાટે તાલીમ આપવામાં આવી હતી. રાઇફલ શૂટિંગમાં હિરલબા તથા મિરલબાએ વિશેષ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

પાંચ દિવસીય શિબિર દરમિયાન ઉમા પેટ્રોલીયમ નાના અંગીયા, કમળાબેન રવજીભાઈ સાંખલા વિગોડી, લક્ષ્મીબેન રામજીભાઈ કેશરાણી અંગીયા ફાર્મ, જયાબેન સોમજીભાઈ પારસીયા બેંગલોર, સાવિત્રીબેન લાલજીભાઈ રામજીભાઈ ઘોળુ દુર્ગાપુર તથા ભાવનાબેન જયસુખભાઈ ગોરાણી ભુજ સહિત અનેક દાતાશ્રીઓએ ભોજન પ્રસાદની સેવા આપી હતી.

સમાપન પ્રસંગે દીકરીઓ દ્વારા આત્મરક્ષા અને નારીશક્તિનું અદભૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સફેદ પરિધાનમાં સજ્જ ૨૦થી વધુ દીકરીઓએ સાત સ્તરનો માનવ પિરામિડ રચી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. પિરામિડના શિખરે કરાટે યુનિફોર્મમાં સજ્જ દીકરીએ હાથમાં લાઠી સાથે “સ્વરક્ષણ એ જ સમાજરક્ષા” નો શક્તિશાળી સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અબજીભાઈ કરમશીભાઈ ઘોળુ, શિવજીભાઈ કરમશીભાઈ ઘોળુ, જયંતીભાઈ નાનજીભાઈ લીંબાણી, હિરાલાલ વેલજીભાઈ ભીમાણી તથા ઉમેશભાઈ મેઘજીભાઈ વાસાણી ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘના પ્રમુખ ચંદ્રિકાબેન કલ્પેશભાઈ રંગાણી તથા મહામંત્રી વનિતાબેન હરસુખભાઈ રૂડાણીએ જણાવ્યું હતું કે, “આજની દીકરી અબળા નહીં પરંતુ સબળા છે. યુવતીઓમાં આત્મવિશ્વાસ જગાવી સમાજમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત કરાવવી એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે.”

દેશલપરની યુવા પ્રતિભા નંદનીબેન વાસાણીએ સતપંથ સમાજની દીકરી હોવાનો ગર્વ વ્યક્ત કરતાં મહિલા મંડળના આ પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ નવતર પ્રયોગથી સમાજમાં દીકરીઓની સુરક્ષા અને સ્વાવલંબન અંગે નવી જાગૃતિ સર્જાશે.

શિબિરને સફળ બનાવવા નિલકંઠ ઈન્ફ્રા માઈનીંગ હ. પારૂલબેન જગદીશભાઈ ઘોળુ, જાગૃતિબેન વિનેશભાઈ ઘોળુ – રૂા. ૧,૧૧,૧૧૧/-, રામ ભરોસે – રૂા. ૧,૧૧,૧૧૧/-, પુષ્પાબેન દાનાભાઈ ગોરાણી ભુજ, ભક્તિબેન જીતેશભાઈ ગોરાણી ભુજ, બંસરીબેન કુનાલભાઈ ગોરાણી ભુજ – રૂા. ૨૧,૦૦૦/-, કાંતાબેન ડાયાલાલ લીંબાણી દેવપર – રૂા. ૧૧,૦૦૦/- સહિત અનેક સહયોગી દાતાશ્રીઓએ આર્થિક સહયોગ આપ્યો હતો.

અંતિમ દિવસે યોજાયેલા નારીશક્તિના પિરામિડ પ્રદર્શનને ઉપસ્થિત વિશાળ જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું. સમગ્ર કાર્યક્રમ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” ના સૂત્રને જીવંત અને સાર્થક બનાવવામાં આવ્યું હતું.

















