મહિલાઓ ઉપર ડાકણના આરોપના નામે અત્યાચાર બંધ થવો જોઈએ : જયંત પંડયા

અમદાવાદ : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વોકડા ગામે ડામોર પરિવાર ઉપર ડાકણનો આરોપ મુકી સામુહિક હુમલો કરવામાં આવતા એક વ્યક્તિનું મોત અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. સમગ્ર ઘટનાને લઈ પોલીસે કુલ ૧૨ વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ગામની રૂબરૂ મુલાકાત કરી બંને પરિવારો વચ્ચે સેતુ બની વધતો વિવાદ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિગતો મુજબ ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાડી વોકડા ગામે ડાકણ પ્રથાની માનસિકતાને કારણે બે પરિવારો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. મનુભાઈ ડામોરની પત્નિ ડાકણ હોવાની શંકા રાખી સામા પક્ષના લોકોએ ધોકા, પાઈપ, લાકડીઓ, પથ્થરો અને કુહાડી વડે હુમલો કર્યો હતો. પત્નિને બચાવવા જતા મનુભાઈ ડામોર તથા પરિવારના અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. મનુભાઈ ડામોરને માથામાં કુહાડીના ઘા વાગતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હુમલો કરનાર ૮ પુરુષ અને ૪ મહિલાઓ સહિત કુલ ૧૨ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ રાજ્યના મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સહિતને પત્ર લખી પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી. ત્યારબાદ પાલ અને ચિઠોડા પોલીસ સ્ટેશને ગામમાં સુરક્ષા ગોઠવી હતી.

રાજકોટથી જયંત પંડયા, રવિ પરબતાણી, ગુલાબસિહ ચૌહાણ, અંકલેશ ગોહિલ અને રોમિત રાજદેવ સહિતની ટીમ ગાડી વોકડા ગામે પહોંચી હતી. ચિઠોડા પોલીસ સ્ટેશને પો.ઈન્સ. મેડમ આર.ડી. તરાલ સાથે ચર્ચા કર્યા બાદ પોલીસ કાફલા સાથે જાથાની ટીમે ગામની મુલાકાત લીધી હતી.

જાથાની ટીમે મૃતક મનુભાઈ ડામોરના પરિવારને સાંત્વના પાઠવી હતી. પરિવારની પુત્રવધુ રેણુકા ડામોર અને ભત્રીજા દિનેશ ડામોરે સમગ્ર ઘટનાનો ચિતાર આપતા જણાવ્યું હતું કે હુમલાખોરોએ કુહાડી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગામના સરપંચ નાગજીભાઈ નિનામાએ આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી.

એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે ૨૧મી સદીમાં પણ મહિલાઓને ડાકણ કહી નિશાન બનાવવાની માનસિકતા સમાજ માટે કલંક સમાન છે. અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, જે શરમજનક બાબત છે. વિકાસ માત્ર રસ્તા અને ટેકનોલોજીથી નહીં પરંતુ વૈજ્ઞાનિક વિચારસરણીથી થાય છે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને જાગૃતિ પહોંચાડવી અત્યંત જરૂરી બની છે.

જયંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે બંને પરિવારો વચ્ચે વિવાદ વધુ ઉગ્ર ન બને તે માટે જાથા દ્વારા મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામા પક્ષના લોકોએ પણ ઉશ્કેરાટ અને શંકા-કુશંકાના કારણે મોટી ભૂલ થઈ હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

વિજ્ઞાન જાથાના સભ્યો રવિ પરબતાણી અને રોમિત રાજદેવે ગામમાં જાગૃતિ માટે પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. જાથાએ રાજ્યના ડી.જી.પી., ગાંધીનગર રેન્જ આઈ.જી.પી., સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ડીવાય.એસ.પી. તથા ચિઠોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેડમ તરાલની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

જાથાએ જણાવ્યું હતું કે ડાકણ શબ્દનો પ્રયોગ પણ કાનૂની અપરાધ છે. રાજ્યમાં મહિલાઓ સામે સામાજિક બહિષ્કાર અથવા અંધશ્રદ્ધા આધારિત અત્યાચાર અંગે માહિતી અને પુરાવા સાથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



















