HomeAllવાંકાનેર આશ્રમ નજીક ગભરાયેલી હાલતમાં મળેલી કિશોરીને અભયમ ટીમે સુરક્ષિત પરિવાર સુધી...

વાંકાનેર આશ્રમ નજીક ગભરાયેલી હાલતમાં મળેલી કિશોરીને અભયમ ટીમે સુરક્ષિત પરિવાર સુધી પહોંચાડી

પરિવારને કાયદાકીય માર્ગદર્શન સાથે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવા અને યોગ્ય ઉંમરે જ લગ્ન કરાવવા કરાયું કાઉન્સેલિંગ

મહિલાઓ અને બાળાઓ માટે ૨૪ કલાક કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જાણ કરવામાં આવી હતી કે વાંકાનેર સિવિલ હોસ્પિટલથી આગળ આવેલા એક આશ્રમ નજીક છેલ્લા લગભગ ૯ કલાકથી એક અજાણી કિશોરી ગભરાયેલી અને ચિંતાતુર હાલતમાં એકલી બેઠી છે તથા પોતાનું સરનામું પણ જણાવી શકતી નથી.

માહિતી મળતા જ ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી વિશ્વાસમાં લીધી હતી અને ધીરજપૂર્વક કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન ૧૭ વર્ષની કિશોરીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તે એક યુવકના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પરંતુ કાયદેસરની ઉંમર ન હોવાથી માતા-પિતાએ લગ્ન માટે ના પાડી હતી. ઉપરાંત મોબાઈલનો વધુ ઉપયોગ કરવા બદલ પિતાએ મોબાઈલ લઈ લઈ ઠપકો આપતા તે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.

ત્યારબાદ અભયમ ટીમે કિશોરીના પરિવારનો સંપર્ક સાધી તેમને કચેરીએ બોલાવ્યા હતા. ટીમ દ્વારા પરિવારને કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપવામાં આવી હતી તેમજ દીકરી સાથે મારઝૂડ કે અયોગ્ય વર્તન ન કરવા, તેને ઉચ્ચ શિક્ષણ આપવા અને કાયદેસરની ઉંમર બાદ જ લગ્ન કરાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અને સમજાવટ આપવામાં આવી હતી.

કાઉન્સેલિંગના અંતે કિશોરીએ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવું પગલું ફરી ક્યારેય નહીં ભરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંતે ૧૮૧ અભયમ ટીમે કિશોરીને રાજીખુશીથી તેના પરિવારને સહી-સલામત સોંપી હતી. દીકરીને હેમખેમ પરત મળતા પરિવારજનોએ અભયમ ટીમની ત્વરિત, સંવેદનશીલ અને માનવતાભરી કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments