
ટેકનોલોજીની દુનિયામાં નવી ક્રાંતિ લાવવાની તૈયારીમાં રહેલી Apple હવે સ્માર્ટવોચ પછી સ્માર્ટ ગ્લાસીસ માર્કેટમાં મોટો દાવ રમવા જઈ રહી છે. કંપનીની નવી વ્યૂહરચના માત્ર ટેક કંપનીઓ સુધી સીમિત નથી, પરંતુ વૈશ્વિક આઈવેર ઉદ્યોગની જાણીતી બ્રાન્ડ્સને પણ સીધી ટક્કર આપવાની છે.

માહિતી મુજબ, Apple પોતાના આગામી સ્માર્ટ ગ્લાસીસને $200 થી $500 (અંદાજે ₹16,500 થી ₹41,000)ના પ્રાઈસ સેગમેન્ટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સેગમેન્ટમાં હાલમાં Ray-Ban અને Oakley જેવી બ્રાન્ડ્સનું પ્રભુત્વ છે. Appleનું માનવું છે કે તેના મજબૂત બ્રાન્ડ ઈમેજ, પ્રીમિયમ ડિઝાઇન અને iPhone સાથેની સરળ કનેક્ટિવિટી ગ્રાહકોને નવી દિશામાં આકર્ષશે.

ઘડિયાળ કરતાં મોટું છે આઈવેર માર્કેટ
માર્કેટ રિસર્ચ એજન્સી Mordor Intelligenceના અહેવાલ મુજબ વૈશ્વિક ઘડિયાળ ઉદ્યોગનું બજાર આશરે $132 બિલિયનનું છે, જ્યારે આઈવેર ઉદ્યોગનું વાર્ષિક માર્કેટ $180 થી $200 બિલિયન સુધી પહોંચે છે. Apple હવે આ વિશાળ બજારમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે તૈયારી કરી રહ્યું છે.

જોકે, કંપની લક્ઝરી સેગમેન્ટમાં પ્રવેશ કરવાની જગ્યાએ મેઇનસ્ટ્રીમ ગ્રાહકોને ટાર્ગેટ કરી રહી છે. અગાઉ કંપનીએ સોનાની Apple Watch દ્વારા હાઈ-એન્ડ માર્કેટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને અપેક્ષિત સફળતા મળી નહોતી.

‘Apple Watch મોડલ’ પર ચાલશે નવી વ્યૂહરચના
સ્માર્ટ ગ્લાસીસ માટે Apple ફરીથી ‘Apple Watch’ જેવી જ વ્યૂહરચના અપનાવી રહી છે. શરૂઆતમાં Apple Watchને માત્ર સ્માર્ટ ગેજેટ તરીકે જોવામાં આવતી હતી, પરંતુ ધીમે ધીમે તે પરંપરાગત વોચ બ્રાન્ડ્સ માટે પડકાર બની. હવે કંપની એવી જ અસર સ્માર્ટ ગ્લાસીસ દ્વારા સર્જવા માંગે છે.

આ નવા સ્માર્ટ ગ્લાસીસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફીચર્સ પણ હોવાની શક્યતા છે, જેના કારણે યુઝર્સને આસપાસની દુનિયાની માહિતી રિયલ ટાઈમમાં પ્રાપ્ત થશે. AI સપોર્ટેડ આ ટેક્નોલોજી યુઝર્સને વધુ સ્માર્ટ અને ડિજિટલ અનુભવ આપશે.

ટેક નિષ્ણાતોનું માનવું છે કે જો Apple તેના સ્માર્ટ ગ્લાસીસને આકર્ષક ડિઝાઇન અને પ્રેક્ટિકલ ફીચર્સ સાથે બજારમાં ઉતારે છે, તો આગામી સમયમાં આ પ્રોડક્ટ આઈવેર ઉદ્યોગમાં મોટો બદલાવ લાવી શકે છે.






















