
ભારતની કુલ ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા 1,822 કરોડ લિટર છે, જેનો મોટો હિસ્સો દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા પહેલેથી જ પાણીની તંગી ધરાવતાં રાજ્યોમાંથી આવે છે. પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રિત કરવાનું ભારતનું આ અભિયાન, જેને ક્લીન એનજીર્ના ઉકેલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, તે વાસ્તવમાં દેશના જળ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યું છે.

આ સમસ્યાના મૂળમાં એવા પાકો છે જે ભારતમાં ઉગાડવામાં આવતા અન્ય પાકો કરતા સૌથી વધુ પાણી પીવે છે, જેમ કે મકાઈ, શેરડી અને દેશનું પ્રિય અનાજ ચોખા'. IPCC ના લેખક અંજલ પ્રકાશે જણાવ્યું હતું કે,ઇથેનોલનું મિશ્રણ ભારતની પાણીની સમસ્યાને બગાડી શકે છે કારણ કે તેનો મુખ્ય કાચો માલ- શેરડી અને મકાઈ- ઉગાડવામાં અને પ્રોસેસ કરવામાં ખૂબ જ વધુ પાણી વાપરવું પડે છે.’

ઇથેનોલ બ્લેન્ડિંગ શું છે અને તેમાં ચોખાનો શું રોલ છે?
ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે વનસ્પતિ આધારિત આલ્કોહોલ, જેને ઇથેનોલ કહેવામાં આવે છે, તેને પેટ્રોલમાં ભેળવવો જેથી ભારતની આયાતી કાચા તેલ પરની નિર્ભરતા ઓછી કરી શકાય. દેશ આ પ્રોગ્રામને ખૂબ જ ઝડપથી આગળ વધારી રહ્યો છે અને હવે તેમાં ચોખા મુખ્ય કાચો માલ બની ગયા છે.

સરકારે વર્ષ 2024-25 માં ઇથેનોલ ઉત્પાદન માટે 52 લાખ ટન ચોખા ફાળવ્યા હતા, અને હવે 2025-26 માટે 90 લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અનાજની અછત ન પડે તે માટે, સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ ગરીબોને વહેંચવામાં આવતા ચોખાનો હિસ્સો 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની યોજના બનાવી છે, જેથી વધેલા ચોખા સીધા ઇથેનોલ બનાવવા માટે ડિસ્ટિલરીમાં મોકલી શકાય.

ઇથેનોલ બ્લેન્ડિંગ પાણી પર કેવી અસર કરશે?
આંકડાઓ આ સમસ્યાને સ્પષ્ટપણે સમજાવે છે. ફૂડ સેક્રેટરી સંજીવ ચોપરાએ 2024 માં દિલ્હીમાં એક વૈશ્વિક કોન્ફરન્સમાં શેર કરેલા ડેટા મુજબ, ચોખામાંથી એક લિટર ઇથેનોલ બનાવવા માટે લગભગ 10,790 લિટર પાણીની જરૂર પડે છે.

જેમાં ખેતી દરમિયાન સિંચાઈ માટે વપરાતા પાણીનો પણ સમાવેશ થાય છે. ચોખા આધારિત ઇથેનોલમાં વપરાતું મોટાભાગનું પાણી તેની ખેતીમાંથી આવે છે, પ્રોસેસિંગમાંથી નહીં. 1 કિલો ચોખા ઉગાડવા માટે લગભગ 3,000 થી 5,000 લિટર પાણી જોઈએ છે.

આશરે 2.5 થી 3 કિલો ચોખામાંથી એક લિટર ઇથેનોલ બને છે, જેનાથી કુલ ‘વોટર ફૂટપ્રિન્ટ’ લગભગ 10,000 લિટરથી વધુ થઈ જાય છે. તેની સરખામણીમાં, એક લિટર ઇથેનોલ બનાવવા માટે મકાઈને 4,670 લિટર અને શેરડીને 3,630 લિટર પાણીની જરૂર પડે છે.

ઉત્પાદનનો રેશિયો આ સ્થિતિને વધુ ખરાબ બનાવે છે. 1 કિલો ચોખા ઉગાડવા માટે આશરે 3,000 લિટર પાણી જોઈએ છે, છતાં 1 ટન ચોખામાંથી માત્ર 470 લિટર ઇથેનોલ જ મળે છે, જે ચોખાને સૌથી વધુ પાણી વાપરતા ઇંધણ સ્ત્રોત બનાવે છે.

આ ઉપરાંત, અંજલ પ્રકાશે ઉમેર્યું કે ઇથેનોલ મિલો મોટા પ્રમાણમાં ગંદુ પાણી પણ પેદા કરે છે, જે જો યોગ્ય રીતે ટ્રીટ ન કરવામાં આવે તો જમીન અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી શકે છે.

‘કિસાન તક’ ના એડિટર ઓમ પ્રકાશે એક મહત્વની વાત જણાવી કે જ્યારે ખેડૂત 1 કિલો ચોખા ઉગાડવા માટે પાણી વાપરે છે ત્યારે તેના પર સંસાધનો ઘટાડવાનો આરોપ લાગે છે, પરંતુ ઉદ્યોગો જ્યારે 1 લિટર ઇથેનોલ માટે 10,000 લિટરથી વધુ પાણી વાપરે છે ત્યારે તેમને જળ સંકટ માટે જવાબદાર ગણવામાં આવતા નથી.

ભારતમાં પાણી પહેલેથી જ ખૂટી રહ્યું છે
ઇથેનોલ બ્લેન્ડિંગ પરનો આ આગ્રહ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ વચ્ચે થઈ રહ્યો છે. નીતિ આયોગના ‘કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ’ (CWMI) એ ચેતવણી આપી છે કે 2030 સુધીમાં દિલ્હી, બેંગલુ અને ચેન્નાઈ જેવા 21 મોટા શહેરોમાં ભૂગર્ભ જળ શૂન્ય થઈ શકે છે.

ભારતની કુલ ઇથેનોલ ક્ષમતા 1,822 કરોડ લિટર છે, જેમાંથી મોટો હિસ્સો એવા રાજ્યોમાં છે જે પહેલેથી પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં 396 કરોડ લિટરની ક્ષમતાવાળા પ્લાન્ટ્સ છે, જ્યારે ત્યાંના વિદર્ભ અને મરાઠવાડાના ખેડૂતો પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

તેવી જ રીતે, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ઇથેનોલ પ્લાન્ટ્સ એ જ ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહ્યા છે જેને પહેલેથી જ જોખમી સ્તરે નીચે ગયેલું જાહેર કરવામાં આવ્યું છે. જોકે ભારતમાં ઇથેનોલ માટે ચોખાનો ઉપયોગ હજુ નવો છે, પરંતુ દેશ મુખ્યત્વે શેરડી પર નિર્ભર છે. શેરડી પણ 1 લિટર ઇથેનોલ માટે 3,636 લિટર પાણી વાપરે છે.

એનર્જી સ્પેશિયાલિસ્ટ સ્વાતિ શેષાદ્રી જણાવે છે કે શેરડીની ખેતીને કારણે આ પ્રદેશોમાં વોટર લેવલ પહેલેથી જ નીચે ગયું છે અને ઇથેનોલ પ્લાન્ટ્સ આ સ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે.

વર્ષોથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો પર ભૂગર્ભ જળ ઘટાડવાનો આરોપ લાગતો હતો, હવે તે જ પાકોનો ઉપયોગ મોટા પાયે ઇંધણ બનાવવા માટે થઈ રહ્યો છે અને તેને ‘ગ્રીન એનર્જી’ કહેવામાં આવે છે.
આ વિરોધાભાસને અવગણવો મુશ્કેલ છે, અને તેનાથી પણ વધુ મુશ્કેલ એ પરિસ્થિતિ હશે જ્યારે ભારતના શહેરો લાખો લોકોને અસર કરતી પાણીની તીવ્ર અછતનો સામનો કરશે.














