
ખાદ્યતેલોમાં ગમે તે માત્રાના વજનના પેકિંગ મારફત ગ્રાહકોને છેતરવાના કૃત્યો સામે સરકાર એક્શનમાં આવી છે. દેશભરમાં એક સમાન અને નિયત વજન ધરાવતા પેકિંગમાં જ ખાદ્યતેલોનું વેચાણ થાય તે દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. ત્રણ મહિનામાં નવા નિયમોનો ફરજીયાત અમલ થવાના નિર્દેશ છે.

ગ્રાહકોમાં તેલ સસ્તુ હોવાની છાપ ઉભી કરવા માટે અનેક ખાદ્યતેલ કંપનીઓ 850 મીલી, 875 મીલી કે તેનાથી પણ ઓછા વજનની પેકેજીંગ બોટલો-કન્ટેનર વેચાણમાં મુકવામાં લાગી હતી. બોટલોનો આકાર એક લીટર જેવો જ હોવાથી ગ્રાહકોમાં ભ્રમ સર્જાતો હતો.

તેલ સસ્તુ ગણીને ખરીદ કરવામાં આવતું હતું પરંતુ તેનું વજન ઓછુ હોવા વિશે ભાગ્યે જ ધ્યાન જતું હતું. ઓછા વજનના આ પેકીંગના ખેલ સામે ખુદ ખાદ્યતેલ ઉત્પાદકોના જ અમુક સંગઠનોએ સરકારનું ધ્યાન દોર્યું હતું. સરકારને પણ તેમાં તથ્ય માલુમ પડતા હવે દેશભરમાં એક સમાન પેકેજીંગ માપદંડ લાગૂ પાડવાની તૈયારી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના સૂત્રોએ એમ કહ્યું કે, હવે માત્ર 200 મીલી, 500 મીલી, એક લીટર, બે લીટર, ત્રણ લીટર, ચાર લીટર, પાંચ લીટર, 15 લીટર તથા 20 લીટરના પેકિંગમાં જ ખાદ્યતેલનું પેકેજીંગ ફરજીયાત કરાશે. કિલોના પેકેજીંગમાં પણ સમાન નિયમો લાગૂ થશે. લીટરના પેકિંગમાં વેચાણ કરવામાં આવે તો કિલોગ્રામના ધોરણે પણ લેબલ પર વજન દર્શાવવાનું ફરજીયાત રહેશે.

ખાદ્યતેલ ઉદ્યોગમાં નાની મીલોથી માંડીને મોટી કંપનીઓ પણ કાર્યરત છે અને નિયમના અમલ માટે થોડો સમય આપવો અનિવાર્ય છે. આ સંજોગોમાં ધ્યાનમાં રાખીને ત્રણ મહિનાનો ટ્રાન્ઝીટ પીરીયડ અપાશે.

ત્યારબાદ નિયમ ફરજીયાત થશે. આ દરમિયાન ઉત્પાદકો, પેકર્સ તથા બ્રાન્ડ માલિકોએ જરૂરી ફેરફાર કરી લેવા પડશે. ખાદ્યતેલ ઉત્પાદકોનો મોટો વર્ગ કેન્દ્ર સરકારના આ કદમને આવકારી રહ્યો છે અને તેનાથી ગ્રાહકો છેતરાતા બચશે તેવો દાવો કરી રહ્યા છે. પેકીંગ ખેલ બંધ થવાના સંજોગોમાં ખાદ્યતેલ ઉત્પાદકો વચ્ચેની સ્પર્ધા તંદુરસ્ત બનશે અને ગ્રાહકોને જ તેનો લાભ થશે ઉપરાંત ગ્રાહકો છેતરાતા બચશે.

કેવી રીતે વજનનો ખેલ થતો હતો?
ખાદ્યતેલ ઉદ્યોગના જ સૂત્રોએ કહ્યું કે સામાન્ય રીતે અગાઉ 1 લીટર, પાંચ લીટર, 15 લીટર કે કિલો જેવા પેકેજીંગમાં જ વેચાણ થતું હતું. પરંતુ માર્કેટમાં નવી-નવી કંપનીઓનો પ્રવેશ થવા લાગ્યો હતો.

આ કંપનીઓ માર્કેટમાં પગપેસારો કરવા ઓછા વજનનું પેકીંગ રાખીને ભાવ નીચા રાખવા લાગી હતી. પેકિંગનો આકાર લીટર કે કિલોની બોટલ કે કન્ટેનર જેવો જ રખાતો અને સાવ નાના અક્ષરે વજન દર્શાવાતું હતું એટલે ગ્રાહકોને ભાગ્યે જ તેની જાણ થઇ શકતી હતી.

ગ્રાહકો સાથે આ રીતસર છેતરપિંડી જ હતી. આ પ્રકારનાં બિન તંદુરસ્ત સ્પર્ધા અને વ્યાપારિક ખેલ સામે ઉદ્યોગમાં જ ધૂધવાટ શરુ થયો હતો. સરકારનું ધ્યાન દોરાયું હતું અને સ્ટાન્ડર્ડ વજનના માપદંડ લાગૂ કરવા રજુઆત કરવામાં આવી હતી.




















