
ચાર દિવસમાં બીજી હૃદયદ્રાવક ઘટનાથી મહિલાની સાથે મોરબી પોલીસની પણ આબરૂ લૂંટાઈ?

મોરબી તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે ખાડે ગઈ હોય તેવા એક પછી એક હચમચાવી નાખતા બનાવો સામે આવી રહ્યા છે. હજુ થોડા દિવસો અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં વાડીએ સુતેલી મહિલાને પાંચ અજાણ્યા શખ્સોમાંથી એક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાની ફરિયાદની શાહી પણ સુકાઈ નથી ત્યાં વધુ એક અત્યંત શરમજનક અને માનવતાને કલંકિત કરતો બનાવ સામે આવ્યો છે.

મોરબીના વધુ એક ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે પોતાના પતિ અને બાળકો સાથે વાડીએ ખુલ્લામાં સૂતેલી મહિલાને પાંચ અજાણ્યા નરાધમોએ હવસનો શિકાર બનાવી હતી. મળતી માહિતી મુજબ પાંચેય શખ્સો લૂંટ અને ચોરીના ઇરાદે વાડીએ ઘુસ્યા હતા. દરમિયાન મહિલાના પતિના ગળા ઉપર છરી મૂકી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, લાકડાના ધોકા વડે પરિવારને ડરાવી-ધમકાવીને મહિલાની સામે ક્રૂરતા આચરવામાં આવી હતી.

ત્યારબાદ પાંચેય શખ્સોએ મહિલાની સાથે વારાફરતી બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચરી માનવતાને શરમાવે તેવી હદ પાર કરી હતી. બનાવ બાદ ભોગ બનેલી મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા માત્ર ચાર દિવસમાં મોરબી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં એકસરખી ઢબે બનેલી બે દુષ્કર્મની ઘટનાઓએ સમગ્ર જિલ્લામાં ભય અને રોષનું વાતાવરણ ઉભું કર્યું છે. બંને બનાવોમાં પાંચ અજાણ્યા શખ્સો રાત્રિના સમયે વાડીએ પહોંચ્યા હતા અને મહિલાઓના પતિઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદોમાં સામે આવ્યું છે.

મોરબીમાં લુખાગીરી અને ગુંડાગીરીને કાબૂમાં લેવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે મોરબી હવે ગુનેગારો માટે સ્વર્ગ બની ગયું છે. અગાઉ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં સાંભળવા મળતી હચમચાવી નાખતી ઘટનાઓ હવે મોરબીની ધરતી પર બનવા લાગી છે, જે સમગ્ર પોલીસ તંત્ર માટે શરમજનક બાબત છે.

આ સતત બની રહેલી ઘટનાઓ મોરબી તાલુકા પોલીસના નાઈટ પેટ્રોલિંગ, ગુનાખોરી રોકવાની ક્ષમતા અને પોલીસની ધાક સામે ગંભીર સવાલો ઉભા કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ સુરક્ષિત નથી તો પછી પોલીસની હાજરીનો અર્થ શું? લોકોમાં હવે એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું મોરબીમાં કાયદાનો કોઈ ખૌફ જ બાકી રહ્યો નથી?

હવે જોવાનું એ રહેશે કે પોલીસ માત્ર ગુનો નોંધીને કાગળો પૂરતા સીમિત રહે છે કે પછી આ નરાધમોને ઝડપીને કડક અને દાખલારૂપ કાર્યવાહી કરીને લોકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે.





















