
મોરબી : મોરબી શહેરનો લાતીપ્લોટ વિસ્તાર આજે સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોમાં સ્થાન પામી ચૂક્યો છે. નળીયા, ફ્લોર ટાઈલ્સ અને ઘડિયાળ ઉદ્યોગથી શરૂઆત કરનાર આ વિસ્તાર હવે પ્લાસ્ટિક, પેકેજીંગ, ગિફ્ટ આર્ટિકલ, ટ્રાન્સપોર્ટ, સ્ટીલ, પ્લાયવુડ અને ટાઈલ્સના વેપાર માટે પણ જાણીતો બન્યો છે. અંદાજે 3000 જેટલા નાના-મોટા ઉદ્યોગો અને વેપારી એકમો અહીં કાર્યરત હોવા છતાં વર્ષોથી મૂળભૂત સુવિધાઓના અભાવે વેપારીઓમાં અસંતોષ વ્યાપ્યો છે.

હાલમાં કોર્પોરેશન દ્વારા પાણીની લાઈન, સ્ટ્રોમ વોટર અને ભૂગર્ભ ગટરના કામ શરૂ કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ખોદાઈ જતાં વેપારીઓ માટે નવી મુશ્કેલીઓ ઉભી થઈ છે. લાતીપ્લોટ વિસ્તાર વર્ષ 1980 દરમિયાન મુખ્યત્વે નળીયા અને ફ્લોર ટાઈલ્સના કારખાનાઓ માટે ઓળખાતો હતો.

ત્યારબાદ વર્ષ 1985 પછી અહીં ઘડિયાળ ઉદ્યોગનો ઝડપી વિકાસ થયો અને સાથે અન્ય સહાયક ઉદ્યોગો પણ ઉભા થયા. આજે અહીં મોલ્ડીંગ મશીન, પ્લાસ્ટિક દાણા, ફોઈલિંગ, પેકેજીંગ, કાંટા, લાતી બજાર ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને શોરૂમ વ્યવસાય પણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. વેપારીઓ દ્વારા વર્ષે દોઢ કરોડથી વધુ વેરો અને કરોડો રૂપિયાનો જીએસટી ભરવામાં આવતો હોવા છતાં પૂરતી સુવિધાઓના અભાવે સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને ચોમાસાની સિઝનમાં લાતીપ્લોટ વિસ્તારની સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ગત ચોમાસામાં વેપારીઓએ પાણી, કાદવ અને ખરાબ રસ્તાઓના પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા અધૂરું રહેલું સ્ટ્રોમ વોટરનું કામ આગળ ધપાવવામાં આવ્યું હતું. હાલમાં રૂ. 4.27 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન અને રૂ. 3 કરોડના ખર્ચે 13 કિલોમીટર લાંબી નવી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી દરમિયાન લગભગ તમામ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા સમગ્ર વિસ્તાર ખેદાનમેદાન બની ગયો છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ હાલની સ્થિતિમાં નાના વાહનો પણ સરળતાથી પસાર થઈ શકતા નથી. અનેક સ્થળોએ પુરાણ યોગ્ય રીતે ન થતાં વાહનો ફસાઈ જવાની સમસ્યા વધી રહી છે. આગામી ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ નહીં થાય તો વેપાર-ધંધા પર ગંભીર અસર પડશે તેવી દહેશત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કોર્પોરેશનના ડેપ્યુટી ઈજનેર પ્રશાંત કણઝારિયાએ જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા પાણી અને ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને રસ્તાઓ પર મેટલિંગ પણ કરવામાં આવશે જેથી લોકોને હાલાકી ન પડે. લાતીપ્લોટના ઉદ્યોગપતિ અનિલ ખારેચાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી સતત ખોદકામ ચાલી રહ્યું છે અને વિકાસ કામો યોગ્ય આયોજન વિના હાથ ધરવામાં આવી રહ્યા છે. વિકાસનો કોઈ વિરોધ નથી, પરંતુ કામ સમયમર્યાદામાં અને યોગ્ય આયોજન સાથે થવું જોઈએ.

ગત ચોમાસામાં વેપારીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જો આ વર્ષે પણ ચોમાસા પહેલા રસ્તાઓનું લેવલિંગ અને મેટલિંગ નહીં થાય તો વેપારીઓ માટે પરિસ્થિતિ વધુ કપરું સ્વરૂપ ધારણ કરશે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અશિષભાઈએ જણાવ્યું હતું કે, હાલ નાના વાહનો પણ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે જ્યારે ભારે વાહનોની અવરજવર તો લગભગ અશક્ય બની ગઈ છે. રસ્તાઓમાં યોગ્ય પુરાણ ન હોવાથી રોજબરોજ વાહનો ફસાઈ રહ્યા છે.

જો ચોમાસા પહેલા રસ્તાઓની મરામત નહીં થાય તો વ્યવસાય ઉપર સીધી અસર પડશે. લાતીપ્લોટમાં છેલ્લા સાત વર્ષથી વ્યવસાય કરતા ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી પાણી અને ગટરના કામનો કોઈ અંત દેખાતો નથી. હાલ દરરોજ વાહનો ફસાવાની ઘટનાઓ બની રહી છે. જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચોમાસામાં લોકો માટે અહીં અવરજવર કરવી પણ મુશ્કેલ બની જશે. તેમણે કોર્પોરેશનને 3000થી વધુ ઉદ્યોગકારોના હિતમાં ઝડપભેર કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી.






















