
ગેસ, ડીઝલ અને રો-મટીરિયલના વધતા ખર્ચ વચ્ચે ટાઇલ્સના ભાવમાં વધારો, ૧૦૦ ટકા એડવાન્સ પેમેન્ટનો નિયમ પણ લાગુ

મોરબી : ગેસ, ડીઝલ તેમજ રો-મટીરિયલના સતત વધી રહેલા ભાવોના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર આર્થિક બોજ વધ્યો છે. જેના પગલે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ૧ જૂનથી નવી વ્યાપારી પોલિસી અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પોલિસી મુજબ ટાઇલ્સના ભાવમાં વધારો કરવામાં આવશે તેમજ ૧૦૦ ટકા એડવાન્સ પેમેન્ટની શરત ફરજિયાત કરવામાં આવશે.

માહિતી મુજબ સેનિટરીવેરમાં અંદાજે ૧૦ ટકા સુધી ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે વીટ્રિફાઇડ ટાઇલ્સમાં પ્રતિ ચોરસ ફૂટ રૂા. ૩.૫૦ જેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે. સિરામિક એસોસિએશનની બેઠકમાં ઉદ્યોગકારોએ વધતા ઉત્પાદન ખર્ચ, ગેસના ભાવમાં તેજી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાથી ગેસ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેના કારણે સિરામિક ઉદ્યોગકારો માટે જૂના ભાવ પર માલ પુરો પાડવો મુશ્કેલ બની રહ્યો હતો. આ પરિસ્થિતિમાં હવે નવી પોલિસી હેઠળ ભાવ વધારો અનિવાર્ય બન્યો હોવાનું માનવામાં આવે છે.

સાથે જ એસોસિએશન દ્વારા તમામ નવા ઓર્ડર માટે ૧૦૦ ટકા એડવાન્સ પેમેન્ટની શરત પણ અમલમાં મૂકવામાં આવી છે. જેના કારણે વેપારીઓ અને ગ્રાહકોને નવી શરતો અનુસાર વ્યવહાર કરવો પડશે. ઉદ્યોગજગતમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેનો સીધો પ્રભાવ બજારના વેપાર અને બિલ્ડિંગ મટીરિયલના ખર્ચ પર જોવા મળી શકે છે.
























