HomeAllમાણસામાં ઉજવાશે રાજય કક્ષાનો 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

માણસામાં ઉજવાશે રાજય કક્ષાનો 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

ગાંધીનગર: સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકેન્દ્રિત નેતૃત્વ અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી રહી છે. આ ગૌરવશાળી અવસરે ગુજરાતમાં આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અભૂતપૂર્વ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે.

આ વર્ષે યોગ દિવસની મુખ્ય રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં યોજાશે, જેમાં 4 હજારથી વધુ નાગરિકો એકસાથે યોગાભ્યાસ કરશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને સામાજિક સંસ્થાઓના સંકલન સાથે વિવિધ સમિતિઓ રાત-દિવસ કાર્યરત છે.

ગુજરાતમાં 24,000 કાર્યક્રમોનું વિરાટ આયોજન નાયબ મુખ્યમંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ’યોગા ફોર હેલ્ધી એજિંગ’ (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) ની ખાસ થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત સમગ્ર રાજ્યમાં શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઇન્ડસ્ટ્રીઝ, જાહેર બગીચાઓ અને માર્ગો પર મળીને કુલ 24,000 જેટલા યોગ કાર્યક્રમોનું આયોજન પૂર્ણ કરી લેવાયું છે.

યોગ દિવસે રાજ્યના ખૂણે-ખૂણેથી 1.25 કરોડથી પણ વધુ નાગરિકો એક જ સમયે યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લઈને નવો કીર્તિમાન સ્થાપિત કરશે. આ કડીના ભાગરૂપે આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ખાતે 5,000થી વધુ ઉત્સાહી સભ્યોએ એકત્રિત થઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
રાજ્યમાં 14થી 20 જૂન દરમિયાન ‘યોગ સપ્તાહ’ ઉજવવામાં આવી રહ્યો છે.

સફાઈ કર્મચારીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતો જેવા વિવિધ વર્ગોને આવરી લેતા 12 વિશેષ કાર્યક્રમોમાંથી 10 કાર્યક્રમો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના કાર્યક્રમો આગામી દિવસોમાં યોજાશે. ઉપરાંત રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લાઓના તાલુકા, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એકસાથે સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની વિદેશ મુલાકાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વિદેશી નાગરિકો દ્વારા યોગના માધ્યમથી કરાયેલ સ્વાગત એ ભારતીય સંસ્કૃતિ અને યોગની વૈશ્વિક સ્વીકૃતિનું પ્રતિક છે.

તેમણે જણાવ્યું કે વિશ્વભરમાં ભારતીય યોગ શિક્ષકોની માંગ સતત વધી રહી છે. સંઘવીએ ગુજરાત યોગ બોર્ડની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે બોર્ડ દ્વારા સામાન્ય નાગરિકોને નિયમિત યોગાભ્યાસ માટે તાલીમ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments