ઉભરાતી ગટરના પાણી વચ્ચે વાહનચાલકો પસાર થવા મજબૂર, સ્થાનિકોમાં રોષ


મોરબી : મહારાણા સર્કલથી ત્રાજપર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર ગટરના ઢાંકણાં તૂટી જતાં તેમજ ગટરનું પાણી રોડ પર ઉભરાતા ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની છે.

હાલ આ માર્ગ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી રોડ બંને બાજુથી સાંકડો બની ગયો છે, જેના કારણે અહીંથી ભારે ટ્રાફિક પસાર થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગટરનું ઢાંકણું તૂટી જવાથી રોડ પર મોટા ખાડા પડી ગયા છે.

સાથે જ ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે અનેક વાહનોને ઉભરાતી ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ સાંકડા માર્ગ પર પહેલેથી જ ટ્રાફિકનો ભારે દબાવ છે,

ત્યારે ગટરના તૂટી ગયેલા ઢાંકણાં અને રોડ પર ફેલાયેલા પાણીના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. ખાસ કરીને બે-વ્હીલર ચાલકો માટે સ્થિતિ જોખમી બની રહી છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ગટરનું સમારકામ કરી રોડ વાહન વ્યવહાર માટે સુરક્ષિત અને સુગમ બનાવવાની માંગ કરી છે.
























