HomeAllમોરબીમાં યુવાન સામે એરગન તાકી દાગીના રોકડની લૂંટના ગુનામાં રીઢો ગુનેગાર ઝડપાયો

મોરબીમાં યુવાન સામે એરગન તાકી દાગીના રોકડની લૂંટના ગુનામાં રીઢો ગુનેગાર ઝડપાયો

મોરબી તાલુકાના લખધીરપુર થી પાનેલી તરફ જવાનો રસ્તા ઉપર યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા એરગન જેવું હથિયાર તેના લમણા ઉપર રાખીને યુવાનને ડરાવી ધમકાવીને તેના ગળામાં પહેરેલ સોનાનો ચેન, મોબાઈલ અને રોકડા રૂપિયા આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી જેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

મોરબીના લખધીરપુર ગામે રહેતા માવજીભાઈ ભીમજીભાઈ જાદવ (46) એ ત્રણ મહિના પહેલા બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે લખધીરપુર ગામની સીમમાં લખધીરપુર થી પાનેલી તરફ જવાના કાચા રસ્તા ઉપર મોહનભાઈ દલવાડીની વાડી પાસેથી તેઓ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 9236 લઈને પસાર થઈ રહ્યા હતા.

ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા તેઓને આંતરિને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ડરાવી ધમકાવીને તેના લમણે એરગન જેવું હથિયાર રાખવામાં આવ્યું હતું અને ફરિયાદીએ ગળામાં પહેરેલ દોઢ તોલાનો સોનાનો ચેન તથા ખિસ્સામાં રહેલ રોકડા 5000 રૂપિયાને મોબાઈલ ફોન આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની લૂંટ કરીને આ શખ્સો નાસી છૂટ્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી.

હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે આરોપી સુખલ ઉર્ફે સુધલબાબુ ઉર્ફે સુકુલકુમાર અનિલભાઈ કોરી (28) રહે. હરિસિંહપુર થાના જીલ્લો મેનપુરી યુપી વાળાની ધરપકડ કરેલ છે વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપી સામે યુપીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક કે બે નહીં પરંતુ 21 જેટલા ગુના નોંધાયેલા છે અને યુપી પોલીસ દ્વારા તેની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી જેથી હાલમાં ટ્રાન્સફર વોરંટના આધારે યુપી પોલીસ પાસેથી મોરબી તાલુકા પોલીસે આરોપીનો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments