HomeAllમોરબી : શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર સતવારા જ્ઞાતિના 64 તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય...

મોરબી : શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર સતવારા જ્ઞાતિના 64 તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન

મોરબી : મોરબી સતવારા જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સતવારા નવગામ જ્ઞાતિના 64 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. વર્ષ-2023 દરમિયાન ધોરણ-9થી કોલેજ સુધીના અભ્યાસક્રમમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેમજ ઉચ્ચ શિક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. પ્રસંગે શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવનાર જાદવ જીગ્નેશ કાનજીભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે આઈ.ટી.આઈ. શિષ્યવૃત્તિ ફંડમાં રૂ. 5,000નું યોગદાન આપનાર પારસભાઈ દિનેશભાઈ જાદવ તેમજ શિક્ષણ પુરસ્કાર સમિતિને રૂ. 11,111નું દાન આપનાર મનજીભાઈ પીતાંબરભાઈ આચાર્યનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય દેવજીભાઈ ચાવડાએ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે મનજીભાઈ પીતાંબરભાઈ આચાર્યએ શિક્ષણની સાથે સારા સંસ્કારોનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા નવ વિદ્યાર્થીઓને સ્વ. વિમલકુમાર એ. જાદવ શિષ્યવૃત્તિ પણ એનાયત કરવામાં આવી હતી.

જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ એમ. કંઝારિયાએ જણાવ્યું હતું કે સમાજની વિવિધ સંસ્થાઓ શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે સતત કાર્ય કરી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ અભ્યાસ દરમિયાન કોઈપણ મુશ્કેલી સર્જાય તો સમાજના આગેવાનોનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સતવારા સમાજ સેવા મંડળ, સતવારા ચેરીટેબલ ટ્રસ્ટ, સતવારા કર્મચારી મંડળ, સતવારા મંડળ, સતવારા મહિલા પ્રગતિ મંડળ, વાઘપરા સતવારા જ્ઞાતિના આગેવાનો, દાતાઓના પ્રતિનિધિઓ તથા સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્યો અને સ્વયંસેવકોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments