મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ખેડૂતોના સમર્થનમાં આજે મહેન્દ્રનગરથી જેતપર સુધી સ્વયંસ્ફૂર્ત કાર રેલી

મોરબી, તા. 26 જૂન: જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને નૈતિક સમર્થન આપવા માટે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા શુક્રવાર, તા. 27 જૂનના રોજ મહેન્દ્રનગર ચોકડીથી જેતપર ખેડૂત આંદોલન સ્થળ સુધી સ્વયંસ્ફૂર્ત કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી બપોરે 4:00 કલાકે મહેન્દ્રનગર ચોકડી ખાતેથી પ્રસ્થાન કરશે અને જેતપર ખાતે ખેડૂત આંદોલન સ્થળે સમાપન પામશે.

એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર રેલીનો મુખ્ય હેતુ ખેડૂતો પ્રત્યે એકતા, સમર્થન અને સામાજિક સહભાગિતાનો સંદેશ આપવાનો છે. મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને નાગરિકોને મોટી સંખ્યામાં રેલીમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આયોજકોના જણાવ્યા મુજબ ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેમની વ્યાજબી માંગણીઓ પ્રત્યે સમાજના દરેક વર્ગે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. રેલી દ્વારા ખેડૂતોના મનોબળમાં વધારો થાય અને તેમની લડતને નૈતિક બળ મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશને તમામ સભ્યો, વેપારીઓ, ઉદ્યોગકારો તથા નાગરિકોને રાષ્ટ્રહિત અને ખેડૂતહિતના ભાવ સાથે આ કાર રેલીમાં ઉપસ્થિત રહી તેને સફળ બનાવવા અપીલ કરી છે. “ખેડૂત અમારી તાકાત, ખેડૂત આપણું ગૌરવ”ના સંદેશ સાથે યોજાનારી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.