
મોરબી : સિરામિક હબ મોરબીના સાતત્યપૂર્ણ (Sustainable) ઔદ્યોગિક વિકાસ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને પર્યાવરણીય બાબતોના સુદ્રઢ સમન્વય માટે વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠકને સંબોધતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સરકારનો સ્પષ્ટ અભિગમ માત્ર અરજીઓ અને ફાઈલોના કાગળ પર નિકાલ કરવાનો નથી, પરંતુ દરેક પ્રશ્નનો વાસ્તવિક અને સ્થાયી ઉકેલ લાવવાનો છે. તેમણે ઉદ્યોગોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે PGVCL દ્વારા જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ કારખાનાઓ અને કામદારોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે અધિકારીઓને સ્થળ પર જ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હતી.

વૈશ્વિક બજારમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો દબદબો યથાવત્ રહે તે માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસ આજના સમયમાં અનિવાર્ય બની ગયા છે. ઉદ્યોગોના કારણે થતા કાર્બન ઉત્સર્જનને સંતુલિત કરવા ઉદ્યોગકારોએ વ્યાપક વૃક્ષારોપણ કરવું જોઈએ. ઉપરાંત, રો-મટીરિયલ અને ટેકનોલોજી માટે અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડીને નિશ્ચિત સમયમર્યાદામાં મોરબીનો સિરામિક ઉદ્યોગ આત્મનિર્ભર બને તે માટે સંશોધન અને નવીનતા તરફ આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકાર સિરામિક ઉદ્યોગના તમામ વાજબી પ્રશ્નોના નિવારણ માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે.

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે મોરબીના ઉદ્યોગકારોની સુવિધા માટે અલગ ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન કાર્યરત કરવાના પ્રયાસો વહીવટી સ્તરે ચાલી રહ્યા છે. હળવદ અને માળિયા વિસ્તારમાં મીઠા ઉદ્યોગ માટે ક્લસ્ટર આધારિત વિગતવાર દરખાસ્ત તૈયાર કરી માર્ગોના મજબૂત નિર્માણ માટે સુદ્રઢ આયોજન હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે માટે સિરામિક ઝોનના તમામ આંતરિક માર્ગોની બંને બાજુ આગામી ચોમાસા પૂર્વે ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

બેઠક દરમિયાન સિરામિક એસોસિએશન દ્વારા ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા અને કામદારો માટે પીવાના પાણીની સુવિધા, ગેસની કિંમતો પરના વેટમાં રાહત, પાવર કટના કારણે પ્રોડક્શનમાં થતા વિક્ષેપને અટકાવવા PGVCL નું અલગ ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન મંજૂર કરવા તેમજ વૈશ્વિક નિકાસને અસર કરતા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત, સિરામિક ઝોનના માર્ગોના કામોને ઝડપી પૂર્ણ કરવા, મોરબી-હળવદ તથા મોરબી-જેતપર અણીયારી રોડના બિસ્માર માર્ગોની મરામત કરવા તેમજ હળવદ અને માળિયા અગર વિસ્તારના અગરિયાઓ માટે પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા બાબતે પણ મંત્રીશ્રીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના ચેરમેન આર.બી. બારડ, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લાવિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) યુવરાજસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પ્રતિનિધિઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.























