
“દેશને બાબાઓ નહીં, વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂર” : એડવોકેટ જયંત પંડ્યા
અમદાવાદ : રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે આગામી 5 થી 7 જૂન દરમિયાન યોજાનારી સનાતન હનુમંત કથા દરમિયાન બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જાથાએ રાજ્યભરમાં ત્રણ દિવસ સુધી ગામડે ગામડે વિરોધ કાર્યક્રમો અને સૂત્રોચાર યોજવાની અપીલ કરી છે.

જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ યોજાયેલી બેઠકમાં જણાવ્યું હતું કે જાથાને સનાતન હનુમંત કથાનો કોઈ વિરોધ નથી, પરંતુ “દિવ્ય દરબાર”ના નામે મેડિકલ લાઇસન્સ વગર કેન્સર, માનસિક બીમારી સહિતના અસાધ્ય રોગો મટાડવાના દાવા બોગસ અને બેબુનિયાદ છે. તેમણે આરોપ લગાવ્યો કે પરચી કાઢવી, દિવ્ય શક્તિથી વ્યક્તિઓના નામ જણાવવા જેવી પ્રવૃત્તિઓ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી પૂર્વ ગોઠવણ હેઠળ કરવામાં આવે છે અને ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે.

જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશની આફતો, અકસ્માતો અથવા હોનારતો અંગે ક્યારેય કોઈ આગોતરી ચેતવણી આપી નથી, જેથી તેમની કહેવાતી “દિવ્ય શક્તિ” અંગે પ્રશ્નો ઊભા થાય છે. તેમણે આક્ષેપ કર્યો કે ધાર્મિક કાર્યક્રમોના બહાને રાજકીય પ્રચાર, સમાજમાં વિભાજન અને ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જાથા દ્વારા રાજ્યના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે વિરોધ કાર્યક્રમો યોજવા આયોજન હાથ ધરાયું છે. લોકોને પોતાના ગામોમાં શાંતિપૂર્ણ અને કાયદાની મર્યાદામાં રહી સૂત્રોચાર કાર્યક્રમો યોજવા અપીલ કરવામાં આવી છે.

જાથાના નેતાઓએ જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ દેશે માત્ર ધર્મના આધારે પ્રગતિ હાંસલ કરી નથી. દેશના વિકાસ માટે વૈજ્ઞાનિક અભિગમ, ટેકનોલોજી અને તર્કસંગત વિચારસરણી જરૂરી છે. રાજકીય પક્ષો પોતાના હિત માટે બાબાઓનો ઉપયોગ કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

બેઠકમાં જણાવાયું હતું કે રાજકોટમાં યોજાનાર કથાના અમુક સમર્થકો દ્વારા જાથાને ધમકીઓ આપવામાં આવી રહી છે, પરંતુ જાથા છેલ્લા 35 વર્ષથી કાયદાની મર્યાદામાં રહી વૈજ્ઞાનિક જાગૃતિ માટે કાર્યરત છે. જાથાએ લોકોને ધાર્મિક ઉશ્કેરણી અને અંધશ્રદ્ધાથી દૂર રહી વિચારપૂર્વક નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો.

એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આપવામાં આવતી કેટલીક સલાહો અને નિવેદનો બંધારણીય મર્યાદા અને કાયદાની ભાવનાના વિરુદ્ધ હોવાનું જણાય છે. રાજકોટમાં કાયદાનો ભંગ થતો જણાશે તો જાથા દ્વારા પુરાવા સહિત પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

રાજકોટ ખાતે 4 અને 5 જૂનના રોજ જાથાનો વિરોધ કાર્યક્રમ યોજાનાર છે. જાથાએ પોતાની વિચારધારા સાથે સંમત લોકોને મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે.
વિરોધ કાર્યક્રમ દરમિયાન દેવજીભાઈ પડસુંબિયા, રમેશભાઈ જે. રાઠોડ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, હસુભાઈ દુબરીયા, હિતેશભાઈ પરમાર, પ્રવીણભાઈ લો, હિતેશભાઈ લો, સુવાસભાઈ રામ, ભાવિનભાઈ ગઢવી, વિપુલભાઈ ડાભી, અરવિંદભાઈ ખોખાણી, આદિત્ય દુબેરીયા, ગૌતમ હિંશું, મહેન્દ્ર ચાવડા, રજનીભાઈ મોસાણી, મહેશભાઈ કે. લાધવા, છગનભાઈ ડી. ચૌહાણ, નિલેશભાઈ ડી. રાઠોડ, હીરાભાઈ જાદવ, મોતીભાઈ બી. ચૌહાણ, ભાનુબેન ગોહિલ સહિતના કાર્યકરોએ હાજરી આપી હતી અને જાથાને સમર્થન જાહેર કર્યું હતું.

જાથાએ અંતમાં જણાવ્યું હતું કે દેશની પ્રગતિ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત અભિગમથી જ શક્ય છે અને લોકોને સ્વેચ્છાએ વૈજ્ઞાનિક વિચારસરણીને સમર્થન આપવા અપીલ કરવામાં આવે છે. સંપર્ક : 98252 16689




















