સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ ઉદ્યોગોના પ્રશ્નો, નિકાસ અને વૈશ્વિક પડકારો મુદ્દે ઉદ્યોગકારો સાથે વિસ્તૃત ચર્ચા

મોરબી : ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા મોરબી જિલ્લાના સ્થાનિક ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવા તેમજ તેમના વિકાસને વધુ વેગ આપવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગોના અદ્યતન પ્લાન્ટ્સમાં ઉત્પાદન પ્રક્રિયાનું વિગતવાર નિરીક્ષણ કરી ઔદ્યોગિક નીતિઓ અને વિકાસલક્ષી પાસાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે જ પેપર મિલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે પેપર સેક્ટર સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારબાદ જેતપર નજીક આવેલા લીસ્પીન ટેક્ષટાઈલ એલ.એલ.પી. એકમની મુલાકાત દરમિયાન કાચા માલથી લઈને ફાઈનલ પ્રોડક્ટ સુધીની સમગ્ર પ્રક્રિયાનું અવલોકન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક યુદ્ધ પરિસ્થિતિને કારણે ઉદ્યોગો સામે ઉભી થયેલી સમસ્યાઓ અંગે પણ ઉદ્યોગકારો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઘુંટું રોડ પર આવેલા સિમ્પોલો સિરામિક પ્રાઇવેટ લિમિટેડ ખાતે ફેક્ટરીના આધુનિક પ્લાન્ટમાં ટાઇલ્સ ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કંપનીના ડાયરેક્ટર મનસુખભાઈ કૈલા સાથે ગ્લોબલ માર્કેટિંગ, પ્રોડક્શન કોસ્ટ તેમજ વૈશ્વિક નિકાસ (Export) સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઘુંટું રોડ પર આવેલી એપોલો પેપરમિલ એલ.એલ.પી.ની મુલાકાત દરમિયાન રો-મટીરિયલમાંથી પેપર બનાવવાની સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પેપર મિલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે આ સેક્ટરને નડતરરૂપ વિવિધ પ્રશ્નો અંગે હકારાત્મક સંવાદ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ જેતપર રોડ નજીક આવેલા લીસ્પીન ટેક્ષટાઈલ એલ.એલ.પી. એકમની મુલાકાત લઈ કપાસ અને કાચા માલથી લઈને ફાઈનલ પ્રોડક્ટ (યાર્ન/કાપડ) તૈયાર થવા સુધીની સમગ્ર ચેઈનનું બારીકાઈથી અવલોકન કરવામાં આવ્યું હતું. વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગો સામે ઉભા થયેલા પડકારો તેમજ લોજિસ્ટિક્સ સંબંધિત સમસ્યાઓ અંગે ઉદ્યોગપતિઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ સમગ્ર મુલાકાત દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર એસ.બી. પારેજીયા, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીના નાયબ નિયામક જે.એસ. આડેસરા તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના પ્રાદેશિક અધિકારી સંજય માલસત્તાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.

ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કોઈપણ પ્રકારની વહીવટી સમસ્યા, માળખાકીય અવરોધ કે અડચણ હોય તો જિલ્લા વહીવટી તંત્રનો વિના સંકોચે સંપર્ક કરવા મોરબીના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો. મોરબીના ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે મજબૂત સંકલન અને સહયોગ જાળવી રાખવા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ હોવાનું જણાવાયું હતું.

આ માહિતી મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવવામાં આવી છે.




















