
તૈયારીઓની સમીક્ષા માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાશે સંમેલન
દેશના વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના ગૌરવશાળી કાર્યકાળના અવસરે મોરબી જિલ્લામાં યોજાનારા ત્રિવિધ લોકકાર્યક્રમોના ભાગરૂપે તા. ૧૨ જૂન, ૨૦૨૬ ના રોજ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ સંમેલન) નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સનાળામાં આવેલી પટેલ સમાજવાડી ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન યોજાનારા આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરે સંમેલન સંદર્ભે વિવિધ સંબંધિત કચેરીઓ અને સરકારી વિભાગો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી વહીવટી તૈયારીઓ અને વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કાર્યક્રમને સુચારુ અને સફળતાપૂર્વક પાર પાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠકનું સંચાલન મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત મોરબી જિલ્લામાં રમત-ગમત, સાહિત્ય, કલા, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા સ્થાનિક નામાંકિત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવોને વિશેષરૂપે સહભાગી બનાવવામાં આવશે.

























