HomeAllમોરબીમાં પરિણીતા પર દુષ્કર્મ કેસ : પોલીસની નિષ્ફળતા અને “ન્યૂઝ પોર્ટલ” પત્રકારિતાની...

મોરબીમાં પરિણીતા પર દુષ્કર્મ કેસ : પોલીસની નિષ્ફળતા અને “ન્યૂઝ પોર્ટલ” પત્રકારિતાની શરમજનક ભૂમિકા

મોરબી, તા. ૭ મોરબી તાલુકા વિસ્તારમાં બનેલી અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને કલંકિત કરતી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર જિલ્લામાં રોષની લાગણી ફેલાવી છે. ખેતમજૂરી કરી જીવન નિર્વાહ કરતા ગરીબ પરિવાર પર પાંચ નરાધમો તૂટી પડ્યા, પતિને પકડી રાખી પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરાયું અને બે વર્ષની માસૂમ બાળકી સમગ્ર ઘટનાની સાક્ષી બની રહી — છતાં અનેક દિવસો બાદ પણ આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થાનિકોમાં ભારે ચર્ચા છે કે સામાન્ય પ્રસંગોમાં સોશિયલ મીડિયા પર ફોટા અને વાહવાહી માટે દોડતી પોલીસ હવે આવી ગંભીર ઘટનામાં માત્ર ઔપચારિક કામગીરી કરીને પોતાની જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા સામાન્ય ઓળખકાર્ડ આપવા જેવી સામાન્ય બાબતમાં પણ મોટા પરાક્રમ કર્યા હોય તે રીતે પ્રચાર કરનાર પોલીસ તંત્ર આજે એક મહિલાની આબરૂ લૂંટાઈ ગઈ હોવા છતાં ગુનેગારો સુધી પહોંચી શક્યું નથી, જે મોરબી પોલીસની કાર્યક્ષમતાની હકીકત ખુલ્લી પાડે છે.

આ ઘટનામાં સૌથી શરમજનક બાબત માત્ર પોલીસની ઢીલી કામગીરી નથી, પરંતુ મોરબીના કેટલાક કહેવાતા “ન્યૂઝ પોર્ટલ” ચલાવતા પત્રકારો અને પેજ બનાવતા સંચાલકોની ભૂમિકા પણ ભારે ચર્ચામાં આવી છે. લોકોમાં રોષ છે કે આવા લોકોએ ઘટનાને એવી રીતે રજૂ કરી જાણે શહેરમાં આ સામાન્ય બાબત હોય. મહિલાની અસહ્ય પીડા, પરિવારની હાલત અને સમાજ માટેના ગંભીર પ્રશ્નોને બાજુએ મૂકી માત્ર ઔપચારિક બે-ચાર લીટી લખીને પોલીસની લાજ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું લોકો કહી રહ્યા છે.

સમાજમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મોરબીના અમુક ન્યૂઝ પોર્ટલ ચલાવનારા પત્રકારોને પોલીસને “હાથમાં રાખવાની” મજબૂરી હોય છે. કારણ કે અનેક લોકોના ધંધા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા અન્ય સ્વાર્થો પોલીસ સાથેના સંબંધો પર નિર્ભર હોય છે, તેથી તેઓ પોલીસ સામે કડક લખવાની હિંમત કરતા નથી. પરિણામે સમાજમાં બનતી આવી ગંભીર અને શરમજનક ઘટનાઓ સામે પણ તેઓ ખૂબ નરમ વલણ અપનાવતા હોવાનું લોકો કહી રહ્યા છે.

સાચી પત્રકારિતા સત્તાના વખાણ કરવા માટે નહીં પરંતુ સત્તાને જવાબદાર ઠેરવવા માટે હોય છે. પરંતુ કેટલાક કહેવાતા પત્રકારો પોલીસના સંબંધો જાળવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે મહિલાની પીડા અને સમાજના પ્રશ્નો કરતાં તેમને પોતાનો સ્વાર્થ વધુ મહત્વનો લાગી રહી છે. આ ઘટનાએ મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે સાથે પત્રકારિતાની વિશ્વસનીયતા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

મહિલાઓની સુરક્ષાના મોટા મોટા દાવા વચ્ચે એક ગરીબ પરિવારમાં આવી ક્રૂર ઘટના બને અને ત્યારબાદ પોલીસ તેમજ કેટલાક કહેવાતા પત્રકારો બંને મૌન અથવા ઔપચારિક વલણ દાખવે, તે સમગ્ર સમાજ માટે ચિંતાજનક બાબત છે. લોકોમાં ભારે માંગ ઉઠી રહી છે કે આરોપીઓને તાત્કાલિક ઝડપી કડકમાં કડક સજા આપવામાં આવે, સમગ્ર ઘટનામાં પોલીસની ઢીલી કામગીરી અંગે જવાબદારી નક્કી કરવામાં આવે અને આવી ગંભીર ઘટનાને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરનાર કહેવાતા પત્રકારો પણ પોતાની સામાજિક જવાબદારી સમજે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments