HomeAllમોરબીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો, નવપ્રવેશી બાળકોનું કરાયું ઉષ્માભર્યું...

મોરબીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો, નવપ્રવેશી બાળકોનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત

મોરબી, તા. ૨૭ જૂન: મોરબી જિલ્લામાં શિક્ષણ અને પર્યાવરણના સમન્વય સાથે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’ અંતર્ગત પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગે મોરબીના નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ (ભા.વ.સે.) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે આજે સરકારી શાળાઓમાં લાયકાત ધરાવતા શિક્ષકો, પૂરતા વર્ગખંડો તેમજ સ્માર્ટ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, મધ્યાહન ભોજન સહિતની વિવિધ આવશ્યક સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તેમણે શિક્ષકોને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક સ્તરેથી જ ગુણવત્તાયુક્ત અને પ્રેરણાદાયી શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ વાલીઓને બાળકોના ગૃહકાર્ય અને અભ્યાસ પ્રત્યે સતત જાગૃત રહેવા અપીલ કરી હતી.

મોરબીમાં વધતા ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે માટે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્થાનિક નાગરિકોને દર વર્ષે પાંચ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કરીને હરિયાળું મોરબી નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન ડૉ. સુનિલકુમાર બેરવાલે જણાવ્યું હતું કે મોરબી હવે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાથી એક જ સ્થળે દસ લાખ વૃક્ષો સાથે વિકસિત થઈ રહેલું ‘નમો વન’ આગામી સમયમાં મોરબી માટે ગૌરવનું કેન્દ્ર બનશે. તેમણે પ્રધાનમંત્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત દરેક નાગરિકને ગ્રીન કવર વધારવા સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાત્મક અને શૈક્ષણિક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શાળાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનારા દાતાઓનું પણ શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ, શિક્ષકો અને સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમોના પાલનની શપથ લેવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન બોડા, બીઆરસી કોઓર્ડિનેટર ઉમેશભાઈ બોપલિયા, મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટરો, સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી, તા. ૨૭ જૂન: મોરબી કલેક્ટર કચેરી ખાતે ૧૧ માસના કરાર આધારિત સમયગાળા માટે ‘કાયદા સલાહકાર (લીગલ એડવાઈઝર)’ની એક જગ્યા ભરવા લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદગી પામનાર ઉમેદવારને સરકારશ્રીના નિયમો મુજબ પ્રતિ માસ રૂ. ૬૦,૦૦૦નું ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

ભરતી માટે ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે વધુમાં વધુ ૫૦ વર્ષ હોવી આવશ્યક છે. જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, ભરતીની શરતો તેમજ નિયત અરજીપત્રકનો નમૂનો કલેક્ટર કચેરી, મોરબીની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે પસંદગી પામનાર ઉમેદવારે ભાષા સજ્જતા અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે ભરેલું અરજીપત્રક તથા શૈક્ષણિક અને અનુભવના પ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે સીલબંધ કવર તા. ૦૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં ‘કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી – ૩૬૩૬૪૧’ની રજીસ્ટ્રી શાખામાં રૂબરૂ અથવા આર.પી.એ.ડી. મારફતે મોકલી આપવાનું રહેશે.

નિયત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થયેલી અથવા અધૂરી વિગતો ધરાવતી અરજીઓ રદ ગણાશે. ઇન્ટરવ્યૂ માટે પસંદ થયેલા ઉમેદવારોએ નિયત સમયે પોતાના ખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે, તેમ નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments