HomeAllસ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળ્યા ભારતીય જહાજ, ઓઇલ - ગેસ અને ફર્ટિલાઇઝર લાવશે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળ્યા ભારતીય જહાજ, ઓઇલ – ગેસ અને ફર્ટિલાઇઝર લાવશે

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના તાજેતરના શાંતિ કરાર બાદ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંના એક હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોય તેવું લાગે છે. અત્યાર સુધીમાં 30 ભારતીય-સંકળાયેલા જહાજોએ આ દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે પાર કર્યો હોવાના અહેવાલ છે, જ્યારે 26 બીજા હજુ પણ આ ક્ષેત્રમાં પસાર થવાની રાહ જોઈ રહ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા 30 જહાજોમાંથી લગભગ અડધા LPG અને LNG જેવા એનર્જી ઉત્પાદનો વહન કરી રહ્યા હતા. જેમાં આઠ જહાજો જથ્થાબંધ કાર્ગો વહન કરતા હતા અને સાત ક્રૂડ ઓઇલ શિપમેન્ટ ભારત તરફ જતા હતા. આ 30 જહાજોમાં 17 વિદેશી ધ્વજવાળા જહાજોનો પણ સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ પાંચ માર્શલ ટાપુઓના ધ્વજ હેઠળ કાર્યરત છે.

મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં પર્સિયન ગલ્ફમાં 26 ભારતીય-હિતના જહાજોમાંથી ત્રણ એનર્જી ઉત્પાદનો વહન કરતા હતા, 10 ખાતર વહન કરતા હતા અને 13 અન્ય કાર્ગો વહન કરતા હતા. આ જહાજો સલામત માર્ગની રાહ જોઈ રહ્યા છે.

1 માર્ચથી 17 જૂન દરમિયાન કુલ 19 જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા છે. ગયા અઠવાડિયે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થયા બાદ થોડા જ દિવસોમાં વધુ 11 જહાજો સુરક્ષિત રીતે સ્ટ્રેટમાંથી પસાર થયા છે. જે દર્શાવે છે કે દરિયાઈ એક્ટિવિટી ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટને ગ્લોબલ એનર્જી સપ્લાય માટે લાઇફલાઇન માનવામાં આવે છે. વિશ્વના ઓઈલ અને ગેસ પુરવઠાનો આશરે 20 ટકા ભાગ તેમાંથી પસાર થાય છે. આ માર્ગ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે જે તેની LNG અને LPG જરૂરિયાતોનો મમોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી આયાત કરે છે.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ઓઈલના ભાવમાં વધારો
મિડલ ઈસ્ટમાં યુદ્ધ દરમિયાન ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક એનર્જી માર્કેટમાં મોટી ઉથલપાથલ થઈ હતી જેના કારણે ઓઈલના ભાવમાં વધારો થયો અને દરિયાઈ શિપિંગ પર અસર પડી. પણ હવે સ્વિટ્ઝર્લૅન્ડમાં ચાલી રહેલી યુએસ-ઈરાન વાટાઘાટો અને યુદ્ધવિરામ સુધી પહોંચવાના પ્રયાસો વચ્ચે માર્કેટમાં રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. મેરીટાઇમ ટ્રેકિંગ ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે, જે ફેબ્રુઆરીના અંત પછીના હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. તો યુ.એસ. ઓઇલના ભાવ પણ યુદ્ધ શરૂ થયા પછીના સૌથી નીચા સ્તરે આવી ગયા છે.

એક્સપર્ટ અનુસાર, જો યુએસ અને ઈરાન વચ્ચેની વાટાઘાટો સફળ થાય અને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું રહે તો ગ્લોબલ એનર્જી માર્કેટ અને દરિયાઈ વેપારને મોટી રાહત મળી શકે છે. અત્યારે વિશ્વનું ધ્યાન સ્વિટ્ઝર્લૅન્ડમાં ચાલી રહેલી વાટાઘાટો અને ગલ્ફ ક્ષેત્રની સુરક્ષા પરિસ્થિતિ પર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments