
ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન રૂ. ૬.૫ કરોડથી વધુની સહાય મંજૂર

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પશુધનની સુખાકારી, સંવર્ધન અને ગૌસેવાને પ્રોત્સાહન આપવા અમલમાં મૂકાયેલી “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” મોરબી જિલ્લાની ગૌશાળાઓ અને પાંજરાપોળ સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પશુપાલન ખાતા દ્વારા અમલમાં રહેલી આ યોજના અંતર્ગત મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થાઓને ગાય અને ભેંસ વર્ગના આશ્રિત પશુઓના પૌષ્ટિક આહાર અને સારસંભાળ માટે સરકાર દ્વારા પ્રતિ પશુ દૈનિક રૂ. ૩૦ની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

આ યોજના હેઠળ મોરબી જિલ્લાની અંદાજે ૮૫ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓને ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૫ના ત્રિમાસિક ગાળા દરમિયાન ૨૩,૫૦૦થી વધુ પશુઓના નિભાવ માટે રૂ. ૬.૫ કરોડથી વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરીને ચૂકવવામાં આવી છે.

સહાય પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે સંસ્થાઓ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં આવે છે. ત્યારબાદ તાલુકા સમિતિ દ્વારા પશુઓની સંખ્યાની ભૌતિક ચકાસણી હાથ ધરવામાં આવે છે અને ગૌસેવા તથા ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા સહાયની રકમ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી સંસ્થાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

મોરબી મહાનગરપાલિકાની રચના બાદ શહેરી વિસ્તારમાં બિનવારસુ રખડતા પશુઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા સઘન અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાની વિવિધ ગૌશાળાઓમાં ૨,૧૦૦થી વધુ બિનવારસુ ગૌવંશના પશુઓને સુરક્ષિત રીતે આશ્રય અને નિભાવ માટે રાખવામાં આવ્યા છે.

પશુપાલન ક્ષેત્રે સ્વનિર્ભરતા અને ગૌસેવાને વધુ પ્રોત્સાહન આપવા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂક્યું છે. મોરબી જિલ્લાની તમામ પાત્રતા ધરાવતી નોંધાયેલ ગૌશાળાઓ અને પાંજરાપોળ સંસ્થાઓ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરીને સરકારની યોજનાઓનો લાભ લઈ શકે છે તેમ મોરબી પશુપાલન વિભાગ દ્વારા જણાવાયું છે.























