
દક્ષિણ પુર્વ રાજસ્થાનમાં હવામાનના ઓછા દબાણના ક્ષેત્રથી ગુજરાતમાં કોઈ કોઈ સ્થળોએ ભારે વરસાદની શકયતા

નવી દિલ્હી: દેશમાં 1 જૂનથી પ્રારંભ થયેલા નૈઋત્યના ચોમાસાએ અનેક રાજયોમાં ભરપુર મહેર વરસાવી છે પરંતુ દેશના 15 રાજયો એવા છે કે જયાં હજુ મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. એકંદરે તા.24 સુધીમાં નોંધાયેલા વરસાદને કારણે ચોમાસુ ખાધ ઘટીને 16 ટકા રહી છે.

પરંતુ બિહાર, પંજાબ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, કેરળ સહિતના નવ રાજયોમાં હજુ 32 ટકા જ વરસાદ નોંધાયો છે અને અહી ગત વર્ષની સરખામણીમાં 42 લાખ હેકટર ઓછી વાવણી થઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કૃષિની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ બિહારમાં ફકત 37 ટકા વરસાદ નોંધાયો છે. પંજાબમાં ચોમફાસુ ખાધ 33 ટકા છે. ઉતરપ્રદેશમાં પણ હજુ 19 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

ઝારખંડમાં 32 ટકા, તેલંગાણા અને આસામમાં 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે અને ચોમાસાની આ ઘટના કારણે દેશમાં ખરીફ સીઝનમાં કુલ અત્યાર સુધીમાં 658.19 લાખ હેકટર ક્ષેત્રમાં વાવણી થઈ છે જે ગત વર્ષ કરતા 42.28 લાખ હેકટર ઓછી છે.

આ ઉપરાંત દાળનું વાવેતર 15.8 ટકા ઘટયું છે. તેલીબીયાના વાવેતરમાં 5.54 ટકા અને ચોખાના વાવેતરમાં 0.84 ટકા ઘટાડો થયો છે. આ ઉપરાંત હવે તાજા રિપોર્ટ મુજબ દક્ષિણ પુર્વ રાજસ્થાન પર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે જેના કારણે ગુજરાતમાં આજે કોઈ કોઈ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.



















