
મોરબી, તા. 07 ઓક્ટોબર, 2026: મોરબીના જેતપર (મચ્છુ) ગામના ગ્રાહક લક્ષ્મણકુમાર ભાણજીભાઈ અધારા પટેલની મોટરસાયકલ ચોરીના કેસમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસથી વીમા કંપની પાસેથી વીમાની રકમ તથા ખર્ચની ચુકવણી મેળવવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તા. 27 સપ્ટેમ્બર, 2024ના રોજ લક્ષ્મણકુમાર ભાણજીભાઈ અધારા પટેલની મોટરસાયકલ રવિરાજ ચોકડી પાસે પાટીદાર સ્ટેશન નજીકથી ચોરી થઈ હતી. મોટરસાયકલનો વીમો “ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની”માં લેવામાં આવ્યો હતો. ગ્રાહક દ્વારા વીમા કંપની સમક્ષ જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવા છતાં વીમાની રકમ ચૂકવવામાં આવી ન હતી.

આથી ગ્રાહકે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા સમક્ષ રજૂઆત કરી હતી. ગ્રાહકના હિતમાં મંડળ દ્વારા વીમા કંપની સામે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ગ્રાહક અદાલત સમક્ષ રજૂઆત દરમિયાન વીમા કંપની દ્વારા ગ્રાહક પાસે વીમા પોલિસી તથા પ્રીમિયમ ભર્યાના પુરાવા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રાહકના હક અને પુરાવાઓને ધ્યાનમાં લઈ મોટરસાયકલની IDV કિંમત રૂ. 23,500 તથા ખર્ચ પેટે રૂ. 2,500 મળી કુલ રૂ. 26,000ની રકમ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હોવાનું મંડળ દ્વારા જણાવાયું છે.

ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું હતું કે, કોઈપણ ગ્રાહક સાથે અન્યાય થાય તો પોતાના હિત અને અધિકાર માટે અવશ્ય લડવું જોઈએ. ગ્રાહકોને તેમના અધિકારો અંગે જાગૃત રહેવા તેમજ કોઈપણ પ્રકારની ફરિયાદ કે અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.





















