HomeAllપેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણ હજુ 'ચાલુ પ્રયોગ' છે…: સુપ્રીમ કોર્ટમાં સરકારનો...

પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણ હજુ ‘ચાલુ પ્રયોગ’ છે…: સુપ્રીમ કોર્ટમાં સરકારનો ચોંકાવનારો જવાબ

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાની યોજના એક ચાલુ પ્રયોગ છે, અને આ રાષ્ટ્રીય નીતિની વાસ્તવિક અસરો આગામી વર્ષ સુધીમાં વધુ સ્પષ્ટ થઈ જશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL) દ્વારા કર્ણાટક હાઈકોર્ટના એક આદેશને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ સર્વોચ્ચ અદાલતમાં આ સત્તાવાર રજૂઆત કરી હતી. કર્ણાટક હાઈકોર્ટનો આ આદેશ વર્ષ 2025-26ના સપ્લાય વર્ષ માટે ઇથેનોલની ફાળવણી સાથે સંબંધિત છે. જે સમગ્ર દેશની મુખ્ય ઇથેનોલ પોલિસીને અસર કરી શકે તેમ છે.

વાહનચાલકોની ચિંતા અને સરકારનો તર્ક
દેશભરમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંગે ચાલી રહેલી વ્યાપક ચર્ચા અને વાહનપ્રેમીઓની ચિંતાઓ વચ્ચે આ સુનાવણી થઈ છે. વાહનચાલકોનો એક વર્ગ ચિંતિત છે કે પેટ્રોલમાં ઇથેનોલનું વધુ પ્રમાણ જૂના વાહનોના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી ફ્યુઅલ એફિશિયન્સી(માઈલેજ) પણ ઘટી શકે છે. જો કે, સરકારે આ આશંકાઓને ફગાવતા કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે E20 પેટ્રોલના કારણે વાહનોને કોઈ યાંત્રિક નુકસાન થયું હોય તેવા કોઈ પુરાવા નથી. આ નીતિ દેશની ઊર્જા સુરક્ષા, પર્યાવરણ અને ખેડૂતોના આર્થિક હિત માટે અત્યંત ફાયદાકારક છે. એટર્ની જનરલે કોર્ટની બહાર સ્પષ્ટતા કરી હતી કે, 20 ટકા મિશ્રણ એ સરકારનો એક પોલિસી નિર્ણય છે અને તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.

સમયસર ઉકેલ જરૂરી, ટ્રાન્સફર પિટિશનની માંગ
સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે સવાલ કર્યો હતો કે BPCLએ કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેંચનો સંપર્ક કેમ ન કર્યો? જેના જવાબમાં એટર્ની જનરલે જણાવ્યું કે, ઑક્ટોબર 2025માં જ ઇથેનોલ સપ્લાયના કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ ચૂક્યા છે અને દેશની અલગ-અલગ હાઈકોર્ટમાં આવા જ કેસ પેન્ડિંગ છે. જો હાઈકોર્ટમાં લાંબી પ્રક્રિયા ચાલશે, તો રાષ્ટ્રીય નીતિ ખોરવાઈ જશે. ઑક્ટોબરમાં નવા કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય તે પહેલાં આ મુદ્દે આખરી નિર્ણય લેવો જરૂરી હોવાથી સરકારે તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી માંગી છે.

દેશને 1.4 લાખ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચ્યું
ભારતે ગયા વર્ષે જ નિર્ધારિત સમય કરતાં 5 વર્ષ વહેલા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો, અને ઓઇલ કંપનીઓએ 1 એપ્રિલથી દેશભરમાં તેનો સપ્લાય શરૂ કરી દીધો છે. હવે સરકારનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં તેને વધારીને 30 ટકા કરવાનું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું હતું કે ઇથેનોલ બ્લૅન્ડિંગ સંપૂર્ણપણે સુરક્ષિત અને ગ્રાહક-લક્ષી છે. તેનાથી વ્હીકલ ઇન્સ્યોરન્સ(વાહનના વીમા) પર કોઈ અસર પડતી નથી તેવી અફવાઓ પણ મંત્રાલયે નકારી કાઢી છે. અમેરિકા, બ્રાઝિલ અને જાપાન જેવા દેશોમાં પણ આ ગ્લોબલ પ્રેક્ટિસ સફળ રહી છે. આ પ્રોગ્રામના કારણે ભારતમાં ક્રૂડ ઓઇલની આયાત ઘટતા દેશના 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments