
સુરત:તા. ૦૧: વરસાદે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને તરબતર કરી નાંખ્યું છે. મેઘરાજાની રોદ્ર અને તોફાની બેટિગ વચ્ચે સુરત શહેરમાં ઇતિહાસમાં પ્રથમ વખત એક જ મહિનામાં રેકોર્ડબ્રેક ૬૦ ઇંચ જેટલો અનરાધાર વરસાદ નોંધાયો છે. જૂન મહિનાના અંત સુધીમાં માંડ બે ઇંચ વરસાદ થયો હતો , પરંતુ જુલાઈ મહિનો શરૂ થતાં જ વરસાદે એવું તોફાની રૂપ ધારણ કર્યું કે આખા મહિનામાં ત્રણ-ત્રણ વખત રેડ એલર્ટ જાહેર કરવાની સ્થિતિ સર્જાઈ હતી. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકમુખે સૌથી વધુ ચર્ચા વરસાદની થઈ રહી છે.

આ વખતે કેટલો વરસાદ પડશે તેના કરતા વધુ ચિતા કેવો વરસાદ પડશે તેને લઈને વધુ ઉંચાટ છવાયો છે. આ વખતે મેઘરાજા વરસાદી મજાને બદલે સજા આપી રહ્યાં હોય તેવી લાગણી પ્રવર્તી રહી છે. લોકોની સાથે સરકારી તંત્ર દ્વારા વરસાદ કેટલો પડશે ‘ તેના કરતા કેવો પડશે ‘ તેને લઈ ઉચાટ છવાયો છે. આ લાગણી વ્યક્ત કરવા પાછળ સુરત શહેરમાં જુલાઈ મહિનામાં થયેલા વરસાદનું ગણિત જવાબદાર બન્યું છે. જુલાઈ માસની શરૂઆતમાં જ જાહેર થયેલા પ્રથમ રેડ એલર્ટ વચ્ચે તારીખ ૬ અને ૭ જુલાઈના રોજ /મેઘરાજાએ દેમાર બેટિગ કરી હતી.

લાગલગાટ બે દિવસ સુધી વરસેલા અનરાધાર વરસાદ પછી પણ મેઘરાજા થોભવાનું નામ નહીં લેતા સતત વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. ત્યારબાદ ગત સપ્તાહે ફરી એકવાર તારીખ ૨૨ અને ૨૩મી જુલાઈના રોજ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધોધમાર હટાકટી બોલાવી હતી. બે વખત રેડ એલર્ટથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિની સરકારી તંત્રને કળ વળે તે પહેલા ત્રીજી વખત રેડ એલર્ટની ચેતવણી મળતાં જ સમગ્ર શહેરીજનો ફફડી ઊઠયા હતા. સતત વરસતી મેપહેલી અને તોફાની વરસાદને કારણે શહેરનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્રીજી વખત થયેલી આગાહી બાદ સુરત સિટીમાં શાળા , કોલેજ સહિત શહેરના બે પ્રમુખ ઉદ્યોગ ટેક્સટાઈલ માર્કેટો અને ડાયમંડની ફેકટરીઓ પણ બંધ રાખવાની ફરજ પડી છે.

ભારે વરસાદ વચ્ચે સુરતની મદદે આર્મી બોલાવવાની ફરજ પડી હોય આ એક જ મહિનામાં શહેરમાં 60 ઈંચ જેટલું પાણી ખાબક્યું છે. આ સાથે ત્રણ-ત્રણ વખત રેડ એલર્ટ જાહેર થવાની જવલ્લે જ બનતી ઘટનાએ સુરતના ઈતિહાસમાં ભારે વરસાદનો નવો જ રેકોર્ડ સર્જી દીધો છે.





















