HomeAllમોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપનો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદોને નાસ્તો અને દીકરીઓને...

મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપનો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદોને નાસ્તો અને દીકરીઓને ચપ્પલનું વિતરણ

13-10-2026: મોરબી: પિતૃઓના સ્મરણ અને શ્રદ્ધાંજલિ અર્પણના પવિત્ર અવસર એવા 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ધાર્મિક પરંપરા સાથે માનવસેવાને જોડીને જરૂરિયાતમંદો, વિદ્યાર્થીઓ અને વડીલોના જીવનમાં ખુશીની ક્ષણો લાવવાના હેતુથી ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ યોજવામાં આવ્યો હતો.

આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત મેધપર ખાતે આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ખીર, પૂરી અને ભાજીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાલયમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓને ચપ્પલનું વિતરણ કરીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ઉપયોગી સહાય પૂરી પાડવામાં આવી હતી.

માળિયા ખાતે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં પણ ગ્રુપ દ્વારા સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. વૃદ્ધાશ્રમના વડીલોને શીરો પીરસવામાં આવ્યો હતો અને તેમની સાથે સમય વિતાવી પ્રેમ, હૂંફ અને આત્મીયતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વડીલો સાથે ખુશીની પળો વહેંચીને તેમના પ્રત્યે આદર અને સન્માનની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

મોરબી શહેરમાં નવલખી ફાટક પાસે, પરશુરામ ધામ નજીક, કામધેનું સર્કલ, દલવાડી સર્કલ અને લીલાપર કેનાલ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીએમ આવાસ વિસ્તારમાં રહેતા લોકોને પણ નાસ્તો પહોંચાડીને ગ્રુપના સભ્યોએ સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપનાં પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનોએ તમામ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બનીને સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો. 16 શ્રાદ્ધ દરમિયાન ભૂખ્યા લોકોને ભોજન, દીકરીઓને ઉપયોગી વસ્તુઓ અને વડીલોને પ્રેમભરી હૂંફ આપીને ગ્રુપે પિતૃસ્મરણની પરંપરાને માનવસેવા સાથે જોડવાનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments