

મોરબી, તા. 29 જૂન : મોરબીની અગ્રણી સામાજિક સંસ્થા યુવા શક્તિ ફાઉન્ડેશન, મોરબી તથા ભોલેનાથ જીવદયા ગ્રુપ, વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે જડેશ્વર નજીકના વિડી વિસ્તારમાં જીવદયાને સમર્પિત અનોખા “કીડિયારું મહોત્સવ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાના જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે સંવેદના કેળવવાનો તેમજ પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.

આ પ્રસંગે 1000થી વધુ કીડિયારાં તૈયાર કરીને વિડી વિસ્તારમાં વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. સૂકા નારિયેળના કાચલા અને માટીના વાસણોમાંથી તૈયાર કરાયેલા આ કીડિયારાં દ્વારા કીડી સહિતના નાના જીવજંતુઓ માટે કુદરતી આશ્રય અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ પક્ષીઓ માટે ચણ અને પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ તથા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમિયાન બાળકોને જીવદયા, પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રકૃતિમાં વસતા દરેક જીવના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ જીવમાત્ર પ્રત્યે કરુણા અને સહઅસ્તિત્વની ભાવનાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જીવદયા માત્ર મોટા પ્રાણીઓ સુધી સીમિત નથી, પરંતુ કીડી જેવા નાના જીવજંતુઓથી લઈને પક્ષીઓ સુધી દરેક જીવ પ્રત્યે દયા, કરુણા અને સંવેદના રાખવી એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ મૂલ્ય છે. આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ સેવાભાવી કાર્યકરો, મહિલાઓ, બાળકો તથા બંને સંસ્થાના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ આગામી સમયમાં પણ જીવદયા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.























